Site icon Gujarat Mirror

ઇરાનના આઠ ઓઇલ જહાજોને અમેરિકી નૌકાદળે મધદરિયેથી પાછા ધકેલ્યા

ખાડી દેશોના સમુદ્રમાં અમેરિકાએ ઈરાનની એવી ઘેરાબંદી કરી છે કે જેને તોડવી ઈરાન માટે અશક્ય બની રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ હેઠળ અમેરિકી નૌસેનાએ ઈરાનથી જઈ રહેલા 8 ઓઇલ ટેન્કરોને વચ્ચે સમુદ્રમાં જ આંતરીને પાછા ફરવા મજબૂર કર્યા છે. અમેરિકાનો આ માસ્ટર પ્લાન ઈરાનની ઓઇલ સપ્લાય અને અર્થતંત્રની કમર તોડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

ઈરાનના જહાજો સ્ટ્રેટ ઑફ હોર્મુઝ તો પસાર કરી લે છે, પરંતુ અસલી મુશ્કેલી ઓમાનની ખાડીમાં શરૂૂ થાય છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં અમેરિકાએ એક એવી લક્ષ્મણ રેખા ખેંચી છે જેને પાર કરવી ઈરાન માટે મુશ્કેલ છે. સેટેલાઇટ અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

ઈરાની બંદર પરથી જહાજ નીકળે ત્યારથી જ અમેરિકી સેટેલાઇટ અને ડ્રોન તેના પર બાજ નજર રાખે છે. જેવા જહાજ ઓમાનની ખાડીમાં પ્રવેશે, અમેરિકી યુદ્ધ જહાજો તેને ઘેરી લે છે અને ’પકડો અને પાછા મોકલો’ની રણનીતિ હેઠળ તેમને પરત મોકલી દેવામાં આવે છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે દાવો કર્યો છે કે, આ નાકાબંધીના અમલના માત્ર 36 કલાકની અંદર જ ઈરાનનો સમુદ્રી વ્યાપાર લગભગ ઠપ થઈ ગયો છે. ઈરાનની અર્થવ્યવસ્થા 90 ટકા જેટલી આંતરરાષ્ટ્રીય સમુદ્રી વ્યાપાર પર ટકેલી છે. જેને કારણે આ નાકાબંધીથી ઈરાનને મોટો આર્થિક ફટકો પડ્યો છે. એડમિરલે સ્પષ્ટ કર્યું કે હાલમાં મિડલ ઈસ્ટના સમુદ્ર પર અમેરિકાની મેરિટાઇમ સુપિરિયોરિટી એટલે કે સમુદ્રી બાદશાહત છે.

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે આકરું વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોય તે કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં.
ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલમાં યુદ્ધવિરામ વધારવા કે નરમ વલણ અપનાવવાના મૂડમાં નથી. હાલમાં હોર્મુઝ અને ઓમાનની ખાડીમાં તણાવ ચરમસીમાએ છે. અમેરિકી નૌસેનાની વધેલી ગતિવિધિઓને કારણે ઈરાન હવે રાજદ્વારી અને આર્થિક રીતે ચારેબાજુથી ઘેરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

Exit mobile version