મિનીપોલિસમાં આયોજિત એક ટાઉન હોલ બેઠક દરમિયાન ડેમોક્રેટિક કોંગ્રેસ વુમન ઇલ્હાન ઉમર પર એક વ્યક્તિએ હુમલો કર્યો અને તેમના પર સિરીંજ વડે અજ્ઞાત પદાર્થ છાંટ્યો હતો. આ હુમલા છતાં, ઉમરે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું.
આ ઘટના તે સમયે બની જ્યારે ઉમર મંચ પરથી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટને નાબૂદ કરવાની વકીલાત કરી રહી હતી અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમના રાજીનામાની માંગ કરી રહી હતી.
પોલીસે હુમલાખોરની ઓળખ 55 વર્ષીય એન્થોની કાઝમિયરઝાક તરીકે કરી છે. કાઝમિયરઝાકે આગળની હરોળમાંથી દોડીને ઉમર પર સિરીંજ વડે પ્રવાહી છાંટ્યું હતું, જે દેખાવમાં અંબર (પીળા-ભૂરા) રંગનું લાગતું હતું. સુરક્ષાકર્મીઓએ તરત જ હુમલાખોરને પકડી લીધો અને તેને કાર્યક્રમ સ્થળની બહાર લઈ ગયા. બાદમાં તેની સામે ‘થર્ડ ડિગ્રી એસોલ્ટ’ના આરોપ હેઠળ હેનેપિન કાઉન્ટી જેલમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
હુમલાના થોડા સમય બાદ, ઉમરે પોતાની હિંમતનો પરિચય આપતા કહ્યું, મેં નાની ઉંમરે જ શીખી લીધું હતું કે ધમકીઓ સામે ન ઝૂકવું જોઈએ.
તેમણે પત્રકારોને જણાવ્યું કે તે એક સર્વાઇવર (બચી ગયેલી વ્યક્તિ) છે અને તેમણે યુદ્ધ જોયું છે, તેથી તે આ પ્રકારના ડરાવવા-ધમકાવવાના પ્રયાસોથી પ્રભાવિત થશે નહીં. જોકે તેમના સ્ટાફે સુરક્ષાના કારણોસર કાર્યક્રમ પૂરો કરવાની સલાહ આપી હતી, પરંતુ ઉમરે જવાબ આપ્યો, કૃપા કરીને તેમને (હુમલાખોરોને) તમાશો બનાવવા ન દો.

