હોર્મુઝમાં કાર્ગો જહાજ પર ઇરાને ડ્રોન હુમલો કરતા ભડકેલા ટ્રમ્પે બનાવને યુધ્ધવિરામનું મૂર્ખતાપૂર્ણ ઉલ્લંઘન ગણાવ્યું
અમેરિકા અને ઈરાનનું યુદ્ધ હજી ખતમ નથી થયું, તે ફરી એકવાર ભડકી ઊઠ્યું છે. ગઇકાલે અમેરિકી સેનાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. તેના થોડા સમય બાદ જ ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો કે તેણે જવાબી કાર્યવાહી કરતાં વિસ્તારમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. બંને દેશોએ એકબીજા પર કરેલા તાજા હુમલાઓએ યુદ્ધવિરામના ભવિષ્યને લઈને મોટા સવાલો ઊભા કર્યા છે. જોકે અમેરિકાએ આ હુમલો અચાનક નથી કર્યો. તે પહેલાં ગુરુવારે ઈરાને એવર લવલી જહાજ પર ડ્રોન હુમલો કર્યો હતો.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, ગુરુવારે હોર્મુઝની ખાડી નજીક એક કાર્ગો જહાજ પર ઈરાનના ડ્રોને હુમલો કર્યો હતો. તેના જવાબમાં અમેરિકી સેનાએ કાર્યવાહી કરી હતી. અમેરિકાનો આરોપ છે કે ઈરાને 4 આત્મઘાતી ડ્રોન વડે જહાજને નિશાન બનાવ્યું હતું, જેમાંથી એક ડ્રોન જહાજના ઉપરના ભાગ સાથે અથડાયો હતો. જોકે જહાજને નુકસાન થયું હતું, છતાં તે આગળ વધવામાં સફળ રહ્યું હતું. અમેરિકાએ દાવો કર્યો છે કે તેની ડિફેન્સ સિસ્ટમે અન્ય 3 ડ્રોનને તોડી પાડ્યા હતા.
CENTCOM એ જણાવ્યું કે, અમેરિકી લડાકુ વિમાનોએ ઈરાનના મિસાઇલ અને ડ્રોનના સ્ટોરેજ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત દરિયાઈ સરહદ નજીક આવેલા રડાર સ્ટેશન પર પણ ચોક્કસ હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકી સેનાનું કહેવું છે.
કે આ કાર્યવાહી યુદ્ધ શરૂૂ કરવા માટે નહીં, પરંતુ યુદ્ધવિરામના ઉલ્લંઘનના જવાબરૂૂપે કરવામાં આવી હતી.
અમેરિકી હુમલાઓ બાદ ઈરાને પણ જવાબી કાર્યવાહીનો દાવો કર્યો છે. સરકારી મીડિયાના જણાવ્યા મુજબ, IRGC એ ખાડીના દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. જોકે ઈરાને એ સ્પષ્ટ નથી કર્યું કે, હુમલો કયા ઠેકાણાઓ પર કરવામાં આવ્યો અને કેટલું નુકસાન થયું છે. ઈરાનની સંયુક્ત સૈન્ય કમાન ’ખાતમ અલ-અનબિયા’ના પ્રવક્તા ઈબ્રાહિમ અલ-ફિકારે કહ્યું કે અમેરિકાની કાર્યવાહીનો જોરદાર જવાબ આપવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે ઈરાન પોતાની પ્રતિક્રિયાનો સમય અને સ્થળ પોતે નક્કી કરશે. તેમણે કહ્યું, “અમેરિકાએ હુમલો કર્યો છે. હવે ઈરાન તેનો જવાબ આપ્યા વગર રહેશે નહીં. જો અમેરિકા ફરી કોઈ ભૂલ કરશે તો તેને એવો જવાબ મળશે કે હુમલાખોરોના તમામ ભ્રમ હંમેશા માટે દૂર થઈ જશે.”
હોર્મુઝમાં જહાજ પર થયેલા હુમલા અંગે ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ડ્રોન હુમલાને યુદ્ધવિરામનું “મૂર્ખતાપૂર્ણ ઉલ્લંઘન” ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ઈરાને એક અત્યંત મોંઘા કાર્ગો જહાજને નિશાન બનાવ્યું, જે સ્વીકારી શકાય તેમ નથી. વ્હાઇટ હાઉસમાં પત્રકારોએ જ્યારે પૂછ્યું કે શું ઈરાનને તેનો જવાબ આપવામાં આવશે, ત્યારે ટ્રમ્પે માત્ર એટલું જ કહ્યું, “તમને ટૂંક સમયમાં ખબર પડી જશે.” તેના થોડા કલાકો બાદ જ અમેરિકી સેનાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી દીધો.
લેબનોન-ઇઝરાયેલ વચ્ચે શાંતિ કરારના માળખા પર સમજૂતી
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ લડવૈયાઓ વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે દિવસો સુધી ચાલી રહેલી વાટાઘાટો પછી, ઇઝરાયલ અને લેબનોને ગઇકાલે વોશિંગ્ટનમાં શાંતિ કરાર માટે એક માળખા પર હસ્તાક્ષર કર્યા. જો કે આ વાટાઘાટોમાંથી સૌથી શક્તિશાળી શસ્ત્રજુથ હિઝબુલ્લાહને બાકાત રાખવામાં આવ્યું હતું આ સહમતીને ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે શાંતિ તરફના પ્રથમ પગલા તરીકે આવકારવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ અને લેબનોન ઘણા દિવસોથી શાંતિ કરાર માટે યુએસ મધ્યસ્થી વાટાઘાટોમાં રોકાયેલા હતા. અધિકારીઓએ ફ્રેમવર્ક ડીલની વિગતો જાહેર કરી ન હતી, કે તેમણે સમજાવ્યું ન હતું કે તેની શરતો 16 એપ્રિલના યુદ્ધવિરામ કરારથી કેવી રીતે અલગ હશે. જો કે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહુએ કહ્યું હતું કે હિઝબુલ્લાહને નિ:શસ્ત્ર ન કરવામાં આવે ત્યાં સુધી ઇઝરાયેલ દક્ષિણ લેબનોનમાં રહેશે.
