Site icon Gujarat Mirror

રશિયા-યુક્રેન યુધ્ધ વિરામ માટે UN મહાસભામાં ઠરાવ પસાર

107 સભ્ય દેશોનું સમર્થન: અમેરિકા ચૂપ, ભારત તટસ્થ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ (UNGA) રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષગાંઠના દિવસે રશિયા અને યુક્રેન વચ્ચે તાત્કાલિક, સંપૂર્ણ અને નિ:શર્ત વિરામની માંગ કરતો ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ “સપોર્ટ ફોર લાસ્ટિંગ પીસ ઇન યુક્રેન” (યુક્રેનમાં કાયમી શાંતિ માટે સમર્થન) નામથી જાણીતો છે અને તેને 107 દેશોએ સમર્થન આપ્યું, 12 દેશોએ વિરોધ કર્યો અને 51 દેશો, જેમાં ભારત પણ સામેલ છે, તટસ્થ રહ્યા.

આ મતદાન 193 સભ્ય દેશોની મહાસભામાં થયું હતું. યુક્રેન દ્વારા પ્રસ્તાવિત આ ઠરાવને બહેરીન, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ચીન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત અને અમેરિકા જેવા દેશો સાથે મળીને રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ અંતિમ મતદાનમાં અમેરિકાએ પણ તટસ્થતા અપનાવી હતી. અમેરિકાએ ઠરાવમાં કેટલીક ભાષા પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને નેગોશિએશન્સને અસર કરી શકે તેવું ગણાવ્યું હતું.
ભારતે પોતાની પરંપરાગત તટસ્થતા જાળવી રાખી છે અને માન્યતા છે કે વિવાદોને યુદ્ધક્ષેત્રને બદલે સંવાદ અને રાજનીતિ દ્વારા ઉકેલવા જોઈએ. ભારતે અગાઉના તમામ UNGA ઠરાવોમાં પણ આ જ વલણ અપનાવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યુદ્ધને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને માનવતા પર કલંક ગણાવ્યું હતું. તેમણે 2025માં યુક્રેનમાં નાગરિક મૃત્યુની સંખ્યા સૌથી વધુ હોવાને અસ્વીકાર્ય ગણાવ્યું હતું.
વિરોધમાં મત આપનારા 12 દેશોમાં રશિયા, બેલારુસ, ઈરાન, ઉત્તર કોરિયા સહિતના દેશો સામેલ છે. આ ઠરાવ યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપે છે અને યુદ્ધના અંત માટે વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિની હિમાયત કરે છે.

Exit mobile version