જામનગરના અલિયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો

જામનગર તાલુકાના અલીયા ગામના ઉપસરપંચ અને રેસ્ટોરન્ટ સંચાલક પાર્થ પ્રકાશભાઈ હરિયાણી પર અલીયા ગામની ફાટક પાસે બેઝબોલના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.…

જામનગર તાલુકાના અલીયા ગામના ઉપસરપંચ અને રેસ્ટોરન્ટ સંચાલક પાર્થ પ્રકાશભાઈ હરિયાણી પર અલીયા ગામની ફાટક પાસે બેઝબોલના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં તેમને બે જગ્યાએ ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ફરિયાદ મુજબ, પાર્થ પ્રકાશભાઈ હરિયાણી ગ્રીન સિટી, જામનગર ખાતે રહે છે, અને પટેલ કોલોની વિસ્તારમાં “ઓવનસબ” નામનું રેસ્ટોરન્ટ ચલાવે છે. તેઓ અલીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પણ છે. ઘટનાના દિવસે તેઓ ગામના સમૂહ જમણવારમાં હાજરી આપવા અલીયા ગયા હતા. સાંજે ગ્રામ પંચાયતેથી જામનગર પરત ફરી રહ્યા હતા, ત્યારે અલીયા ગામની ફાટક નજીક પાછળથી આવેલા સિલ્વર રંગના મોટરસાયકલચાલકે તેમની કાર આગળ મોટરસાયકલ ઉભું રાખી તેમને અટકાવ્યા હતા.

આરોપીએ પી.જી.વી.સી.એલ. માં લાઇટ માટે અરજી કેમ કરી હોવાનું પૂછતાં પાર્થભાઈએ આવી કોઈ અરજી કરી ન હોવાનું જણાવ્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલા આરોપીએ ગાળો આપી રસ્તાની બાજુમાં પડેલો બેઝબોલનો ધોકો લઈને તેમના ડાબા પગના ગોઠણ પાસે ઘા માર્યો હતો. તેઓ નીચે પડી જતાં આરોપીએ આડેધડ હુમલો ચાલુ રાખ્યો હતો.

બૂમાબૂમ સાંભળી અલીયા ગામના કલ્પેશભાઈ મહેશભાઈ મકવાણા સ્થળ પર પહોંચ્યા અને હુમલાખોરના ચંગુલમાંથી પાર્થભાઈને છોડાવ્યા હતા. તે દરમિયાન આરોપીએ પોતાનું નામ ઇમરાન જુણેજા હોવાનું જણાવ્યું હતું અને “આજે તો બચી ગયો, ફરી મળીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી મોટરસાયકલ પર ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત પાર્થભાઈને કલ્પેશ મકવાણાએ જી.જી. હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ બનાવ અંગે પાર્થ પ્રકાશભાઈ હરિયાણીની ફરિયાદના આધારે પોલીસે ઇમરાન જુણેજા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુંગણી ગામે દુકાન ભાડે આપવાના મામલે પિતા-પુત્ર પર લોખંડના પાઇપથી હુમલો
સિક્કા પોલીસ મથક વિસ્તારના મુંગણી ગામમાં દુકાન ભાડે આપવાની બાબતને લઈને થયેલા વિવાદમાં એક શખ્સે પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સિક્કા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ, મુંગણી ગામના ગાગવા રોડ પર રહેતા વર્ષાબા મહિપતસિંહ કંચવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ મહિપતસિંહની ગાગવા ધારે આવેલી દુકાન હાલમાં બંધ છે અને તેને ભાડે આપવાની ઇચ્છા હતી. જોકે, ગામમાં રહેતો કિરીટસિંહ રણજીતસિંહ કંચવા દુકાન કોઈને ભાડે આપવા દેતો ન હોવાથી આ બાબતનું મનદુ:ખ રાખતો હતો. આ જ અદાવતમાં તા. 14 જુલાઈની રાત્રે મુંગણી ગામે ફરિયાદીના ઘરની બહાર આરોપીએ મહિપતસિંહને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ લોખંડના પાઇપ વડે મહિપતસિંહ તેમજ તેમના પુત્ર જયવીરસિંહ પર હુમલો કરી બંનેને મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં આરોપી કિરીટસિંહ રણજીતસિંહ કંચવા સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 115(2), 352 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.