રાષ્ટ્રીય
યુપીનું સંભલ બીજું અયોધ્યા બન્યું: ભૂતકાળ ખોદવાથી ભવિષ્ય ભૂલાઈ જશે
ઉત્તર પ્રદેશમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની કૃષ્ણ જન્મભૂમિસ્થાને બનેલી મસ્જિદ, મધ્યપ્રદેશના ધારની ભોજશાળા વગેરે સ્થાને પહેલાં હિંદુ મંદિરો હતાં કે નહીં અને મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હતી કે નહીં તેનો વિવાદ શમ્યો નથી ત્યાં ઉત્તર પ્રદેશના સમ્ભલમાં જામા મસ્જિદનો મુદ્દો ચગ્યો છે. બલકે સમ્ભલની જામા મસ્જિદના સરવેને મુદ્દે અત્યંત ગંભીર અને હિંસક સ્વરૂૂપ લઈ લીધું છે. આ હિંસામાં ચાર લોકોનાં મોત થઈ ગયાં છે અને 25થી વધુ લોકો ઘાયલ છે. હિંસાને પગલે સરકારે 12મા ધોરણ સુધીની શાળા બંધ કરવા અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવો પડયો છે. સમ્ભલમાં અત્યારે જનજીવન ઠપ્પ છે અને સ્થિતિ ક્યારે સામાન્ય થશે એ ખબર નથી. ઉત્તર પ્રદેશના સમ્ભલ જિલ્લાની શાહી જામા મસ્જિદ વાસ્તવમાં ભગવાન વિષ્ણુનું હરિહર મંદિર હોવાના દાવા સાથે વકીલ હરિશંકર જૈને કોર્ટમાં અરજી કરેલી. તેના પગલે કોર્ટે મસ્જિદના સરવેનો આદેશ આપ્યો હતો.
મસ્જિદ કમિટીની સંમતિથી બંને પક્ષની હાજરીમાં સરવે થવાનો હતો. 19 નવેમ્બરની રાતે સરવે શરૂૂ થયો ત્યારે કંઈ નહોતું થયું, પણ 24 નવેમ્બરે સરવે ટીમ ફરી મસ્જિદ પહોંચી અને જેવી મસ્જિદના સરવેની કાર્યવાહી શરૂૂ કરી કે મોટી સંખ્યામાં લોકો ઊમટવા માંડ્યા અને ઉગ્ર દેખાવો તથા સૂત્રોચ્ચાર શરૂૂ થઈ ગયા ડરી ગયેલી સર્વેની ટીમ કોર્ટમાં પહોંચી તો કોર્ટે પોલીસ રક્ષણ હેઠળ સર્વે કરવા આદેશ આપ્યો. કોર્ટના આદેશ પછી સરવે શરૂૂ થયો તો ટોળાએ પોલીસ પર હુમલો કરી પથ્થરમારો કર્યો અને ઘણાં વાહનોને આગ લગાડી દીધી. સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડયા અને લાઠીચાર્જ પણ કર્યો. પોલીસ અને મતૃકોના પરિવારજનોમાંથી કોણ સાચું બોલે છે એ ખબર નથી, પણ એ મુદ્દો બહુ મહત્ત્વનો નથી.
મહત્ત્વનો મુદ્દો સમ્ભલ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેનો છે અને અત્યારે જે અણસાર છે એ જોતાં સમ્ભલ બીજું અયોધ્યા બનવાની દિશામાં છે. મંદિરોને તોડીને મસ્જિદો બનાવાઈ હોવાના મુદ્દા વારાણસી અને મથુરામાં પણ ગાજે છે. નજીકના ભૂતકાળમાં આ બંને મુદ્દે હિંસા થઈ નથી જયારે સમ્ભલમાં તો પહેલા જ ધડાકે 4 લોકો મરી ગયા છે એ જોતાં ભવિષ્યમાં સ્થિતિ ગંભીર બનશે. સંભલ પછી અજમેરની શરીફ દરગાહને પણ શિવમંદિર જાહેર કરવાની અરજી કોર્ટે સ્વીકારી છે, તે જોતા ભવિષ્યમાં અહીં પણ સ્થિતિ બગડે તો નવાઈ નહીં.