રાજકોટ શહેરમાં ભર ચોમાસે મહાનગરપાલિકા દ્વારા પાણીકાપ ઝીંકવામાં આવતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. 3 મુખ્ય લાઈનનાં સમારકામ માટે 16 થી 21 તારીખ સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે 6 દિવસમાં કુલ 14 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. પાણીકાપનો આજે પ્રથમ દિવસ છે. જેમાં વોર્ડ નં-5માં પાણી વિતરણ બંધ રહેતા મહિલાઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ વિસ્તારમાં ઘણા સમયથી પૂરતું પાણી નહીં મળતું હોવાનો આરોપ સ્થાનિક મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમજ સમસ્યા દૂર નહીં થાય તો વેરો ભરવાનું બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
શિવમનગર વિસ્તારમાં રહેતા સવિતાબેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી આવતું જ નથી. જો આવે તો પણ 5 થી 10 મિનિટ જ આવે છે અને તેમાં પ્રેશર હોતું નથી. હાલ ભરપૂર ચોમાસું ચાલે છે છતાં અમને પાણી મળતું નથી, તો ઉનાળામાં અમારી શું હાલત થશે? અમારા ઘરના સભ્યો મજૂરી કરીને સમયસર વેરો ભરે છે છતાં અમને પ્રાથમિક સુવિધા નથી મળતી. હવે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે વેરો ભરવાનું બંધ કરી દેશું. દરરોજ સવારે 5:30 વાગ્યે એક સરખા સમયે ઓછામાં ઓછી 30 મિનિટ પૂરતા પ્રેશરથી અમને પાણી આપવામાં આવે તેવી અમારી માંગ છે.
શિવમનગરમાં રહેતા શિલ્પાબેને જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી પાણીની સમસ્યા છે. રજૂઆત કરી છે પણ પાણી જ આવતું નથી ટાઈમે. પાણીનો ફોર્સ ધીમો આવે એટલે મોટર ચાલુ કરી ત્યારે પાણી આવે છે, એમનેમ તો પાણી આવતું જ નથી. પાણી વગર તો ઘરમાં મુશ્કેલી પડે છે, કપડાં ધોવામાં અને પીવામાં બધાય પાણીનો કંઈ બહુ ઉપયોગ આવતો નથી. એટલે પાણી ઓછું આવે છે એટલે પાણી તો જોઈએ. બોર છે ને હાવ ખરાબ થઈ ગયો છે એટલે સાવ સારું આવતું નથી, તો પાણી વિના કેમ આપણે પીવું? ના, જાણ કરવામાં આવી નથી આજે કાપ છે ઈ. એને જાણ કરવી પડે ને કાપ છે એમ! અમે 5:30 વાગે ઉઠીને જોયું કે પાણી આવ્યું છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે એક બાજુ ઓછા વરસાદના કારણે આજી, ન્યારી અને ભાદર ડેમના તળિયા દેખાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ નર્મદાનું પાણી ઠાલવવાની વાતો વચ્ચે લોકોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. સાથે જ એક્સપ્રેસ ફીડર લાઇન નાખવાની વાતો પણ જાણે માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આજે પાણીકાપના પ્રથમ દિવસે જ શહેરના વોર્ડ નંબર 5ની મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પાણીકાપ હજુ 21 સપ્ટેમ્બર સુધી જુદા-જુદા વિસ્તારમાં મુકવામાં આવ્યો હોવાથી તંત્ર સામે વધુ રોષ ભભૂકે તેવી શક્યતા છે.
