જંગલેશ્વર ડિમોલિશન મામલે વિપક્ષની બઘડાટી, પોલીસ સાથે ઝપાઝપી

આખા રાજકોટમાં માત્ર જંગલેશ્વરમાં જ કેમ દબાણ દેખાયું? મનપાના જનરલ બોર્ડમાં બેનર સાથે આવેલા કોંગ્રેસના નગરસેવકોને પોલીસે અટકાવતા માથાકુટ જંગલેશ્વના અસરગ્રસ્તોને એ જ વિસ્તારમાં આવાસો…

આખા રાજકોટમાં માત્ર જંગલેશ્વરમાં જ કેમ દબાણ દેખાયું? મનપાના જનરલ બોર્ડમાં બેનર સાથે આવેલા કોંગ્રેસના નગરસેવકોને પોલીસે અટકાવતા માથાકુટ

જંગલેશ્વના અસરગ્રસ્તોને એ જ વિસ્તારમાં આવાસો અપાશે, શાસક-વિપક્ષ-મ્યુનિ.કમિશનર સાથે બેસીને બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરે તેવી મેયર ડો.નેહલ શુક્લે વ્યક્ત કરી લાગણી

રાજકોટના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટુ જંગલેશ્વર ડિમોલિશનને આઠ મહિનાથી વધુ સમય થવા છતા હજુ સુધી તેના પડઘા સમ્યા નથી. આજે મનપામાં મળેલા જનરલ બોર્ડમાં વધુ એકવખત વિપક્ષ કોંગ્રેસે જંગલેશ્વર ડિમોલિશનને લઇને કોંગ્રેસના નગરસેવકોએ સટાસટી બોલી હતી. એક તબક્કે કોંગ્રેસ અને ભાજપ બન્ને છાવણીએથી સામસામી શાબ્દિક ધમાસાણ ચાલ્યુ હતુ. આખા રાજકોટમાં માત્ર જંગલેશ્વમાં જ કેમ દબાણ દેખાયુ? તેવો સવાલ કરતા જ સભામાં ગરમાગરમી થઇ હતી. એ પુર્વે પણ બોર્ડ શરૂૂ થતા પહેલા વિપક્ષના નગરસેવકો જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલી લાખો રૂૂપિયાની કટકીની તપાસના નામે ચાલતા નાટકના મામલે બેનર લઇને આવ્યા હતા. પોલીસે બેનર આંચકી લેવાનો પ્રયાસ કરતા કોંગી નગરસેવકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી.

જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં ભાજપના પાંચ અને કોંગ્રેસના 4 સહિત કુલ 9 નગરસેવકો તરફથી 22 પ્રશ્નો મુકીને વિગત માગવામા આવી હતી. અગ્રતાક્રમ મુજબ વિપક્ષી નેતા દિપ્તીબેન સોલંકીનો વારો ચોથા નંબરે હતો. તેમનો મુખ્ય પ્રશ્ન એ હતો કે, જંગલેશ્વરને બાદ કરતા સમગ્ર શહેરમાં 2000થી વધુ ગેરકાયદે બાંધકામોને 260(2) એટલે કે તોડી પાડવા માટેની આખરી નોટિસ અપાયેલી છે. પરંતુ તેમાથી માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ બાંધકામ સામે શા માટે પગલાં લેવાયા? સંબંધિત ટાઉન પ્લાનર ઓફિસર કે આસી.ટાઉન પ્લાનર અધિકારીના નામ જોગ માહિતી માગવામા આવી હતી. આ મુદ્દે ચર્ચા દરમિયાન મામલો સીધો જંગલેશ્વર ડિમોલિશન ઉપર જ કેન્દ્રિત થઇ ગયો હતો. સમગ્ર કોંગ્રેસના નગરસેવકો એક જૂથ થઇને ડિમોલિશન પ્રશ્ને સટાસટી બોલાવવા લાગ્યા હતા.

વિપક્ષનો મુદ્દો એ હતો કે, ડિમોલિશનગ્રસ્તોમાંથી આજે પણ અનેક પરિવારો આસરા વગરના છે. સગા વ્હાલાના ઘરે રહે છે. તેઓને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર મકાન તોડી પાડવા મામલે ગરમાગરમીભરી ચર્ચા વિપક્ષે છેડી હતી. એ દરમિયન મેયર ડો.નેહલ શુક્લે સુઝબુઝપુર્વકનો રસ્તો કાઢ્યો હતો. મેયરે કહ્યુ હતુ કે, જંગલેશ્વરમાં જ્યા ડિમોલિશન થયુ હતુ એ ટીપીનો રોડ અને સરકારી જમીન હતી. કોઇના માલિકીના મકાન તોડવામા આવ્યા નથી. આમછતા અસરગ્રસ્તો પૈકી જે પરિવાર સરકારી આવાસ માટે પાત્રતા ધરાવતા હશે તેઓના માટે જંગલેશ્વર વિસ્તારમાં આવાસ યોજના બનાવવા માટેની મનપાની તૈયારી છે. તેના માટે વિપક્ષ મ્યુનિ.કમિશનર સાથે બેઠક કરીને એક બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરે. શાસકોની સહમતી રહેશે.

છે ને અક્કલના ઓથમીર! ડ્રેનેજ સાફ કરવા ટ્રીટેડ વોટરના બદલે વપરાય છે પીવાનું પાણી

જનરલ બોર્ડમાં કોંગ્રેસના નગરસેવક ઇબ્રાહીમભાઇ સોરાનો એક પ્રશ્ન એ હતો કે, ડ્રેનેજ ગટર સાફ કરવા માટે જેટિંગ મશીનમા ક્યુ પાણી વાપરવામા આવે છે? અધિકારી તરફથી અપાયેલો જવાબ આશ્ચર્ય અને અઘાતજનક હતો. જે પાણી ક્લોરીનેશન કરીને પમ્પીંગ સ્ટેશન માટે લોકોના ઘર સુધી પહોંચાડવામા આવે છે એ પીવાનું પાણી ગટર સાફ કરવા માટે વાપરવામા આવતુ હોવાનો સતાવાર પરપોટો ફૂટ્યો હતો. વિપક્ષી સભ્યનો મુદ્દો એ હતો કે શહેરમાંથી નીકળતા ભૂર્ગભ ગટરના પાણીનું શુધ્ધિકરણ કરીને આજી-2 ડેમમાં ઠલવવામા આવે છે. જે પીવા સિવાયના વપરાશમાં લઇ શકાય છે. આ ટ્રીટેડ વોટર ભૂગર્ભ ગટર સાફ કરવા જેટિંગ મશીનમાં શા માટે ન થઇ શકે?! આ બાબતે કમિશનરે ટેકનીકલ શક્ય છે કે નહીં તે ચકાસણી કરવા માટે સંબંધિત અધિકારીને સુચના આપી હતી.

શહેરમાં નવા 30,000 આવાસ બનાવવા કેન્દ્રની મંજૂરી: બોર્ડમાં મેયરની જાહેરાત
રાજકોટમાં ઘરનું ઘર વસાવવા ઇચ્છતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ખુશ થઇ જાય તેવી એક જાહેરાત આજે મેયર ડો.નેહલ શુક્લે જનરલ બોર્ડમાં કરી હતી. તેમણે શુભ સમાચાર આપતા કહ્યુ હતુ કે, શહેરમા નજીકના ભવિષ્યમાં જ નવા 30 હજાર આવાસ બનાવવામા આવનાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આ ફ્લેટ માટે કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ચુકી છે. નોંધનીય છે કે, રાજકોટમાં બહારના શહેરો-ગામડાઓમાંથી માઇગ્રેટ થઇને સ્થાયી થતા નાગરિકોની સંખ્યા વધતી જાય છે. આ ઉપરાંત હજુ પણ શહેરમાં વસતા સેંકડ પરિવારો આવાસ યોજનાથી વંચિત છે. ડ્રોમાં તેમનુ નસીબ ચમક્યુ નથી. આ તમામ નાગરિકો માટે નવા 30 હજાર આવાસ બનાવવાની લીલીઝંડી કેન્દ્ર સરકારે આપી દીધી છે. જંગલેશ્વરમાં પણ ડિમોલિશનગ્રસ્તો માટે આવાસનો પ્રોજેક્ટ એ વિસ્તારમાં મુકવામા આવે તેવી અમારી લાગણી અને તૈયારી છે.

પાંચ વર્ષમાં દીવાળી કાર્નિવલ માટે ખર્ચાયા અધધધ..20.57 કરોડ
ગત દીવાળી સહિત છેલ્લા પાંચ વર્ષમાં દીવાળી કાર્નિવલ યોજાયા તેમા કુલ કેટલો ખર્ચ થયો? તેમાથી રેઇટ કોન્ટ્રાક્ટથી કેટલા કામ અપાયા હતા અને કોન્ટ્રાક્ટ વગર બારોબાર કેટલા કામ અપાયા? છેલ્લા પાંચ વર્ષના અપાયેલા હિસાબમાં વર્ષ 2022માં 14.64 કરોડ, 2023માં 1.24 કરોડ, 2024માં 1.97 કરોડ, 2025માં 1.62 કરોડ અને આ વખતે કરકસર કરવા છતા રૂૂ.1.10 કરોડનો ખર્ચ થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 20.57 કરોડથી વધુનો ખર્ચ થયો હોવાનો હિસાબ જનરલ બોર્ડમાં મુકવામા આવ્યો હતો.

શહેરમાં મનપાના 382 પ્લોટમાં દબાણ, TPOએ ભરી સભામાં કર્યો શર્મનાક સ્વીકાર
ટીપીના રસ્તા ખુલ્લા કરવાના નામે જંગલેશ્વરના સેંકડો પરિવારને બેઘર કરવામા આવ્યા છે તો બીજીબાજુ એક કડવી હકિકત એ છે કે, ખુદ મનપાની જ માલિકીના જુદા જુદા હેતુના 382 જેટલા અનામત પ્લોટમાં દબાણ છે. આ વાત ખુદ ટાઉન પ્લાનર અધિકારીએ જનરલ બોર્ડની ભરી સભામાં સ્વીકારી હતી. જો કે તેમણે એક દલિલ એવી પણ કરી હતી કે, ટીપી સ્કીમ બની એ પહેલાના આ બધા દબાણો છે.

પેધી ગયેલા એટીપીઓ ડેપ્યુટી કમિશનરને પણ ગાંઠતા નથી!
ગેરકાયદે બાંધકામમાં આસી.ટાઉન પ્લાનરની ભેદી અને શંકાસ્પદ ભુમિકા હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ ભરી સભામાં થયો હતો. એ દરમિયાન વિપક્ષના સભ્યોએ રોષભેર કહ્યુ હતુ કે, કાયદેસરનું બાંધકામ હોય, પ્લાન મંજૂરીને પાત્ર હોય એમછતા ઇરાદાપુર્વક અને ચોક્કસ આશયથી ફાઇલ(કામ) ગોકળગાયની ગતિથી ચાલે છે. ટીપીઓ તો ઠીક ડેપ્યુટી કમિશનરને ફરિયાદ કરવા જાય તો પણ આસી.ટાઉન પ્લાનર(એટીપી) તેઓને ગાંઠતા નથી.