Site icon Gujarat Mirror

જેફરી એપ્સટિન સેકસ સ્કેન્ડલની એક પીડિતા ભારતની હોવાનો ખુલાસો થતા ખળભળાટ

અમેરિકાના કુખ્યાત ફાઇનાન્સર જેફરી એપ્સટિન સાથે જોડાયેલા સેક્સ ટ્રાફિકિંગ કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુપ્ત દસ્તાવેજોમાં એક નવો ઘટસ્ફોટ થયો છે, જે મુજબ એપ્સટિનના અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ખુલાસાએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવી દીધી છે.

’ધ સન્ડે ગાર્ડિયન’ના અહેવાલ મુજબ, ગિસ્લેન મેક્સવેલ વિરુદ્ધના કેસમાં અનસીલ કરવામાં આવેલા હજારો પાનાના દસ્તાવેજોમાં આ ભારતીય મહિલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે એપ્સટિનનું જાતીય શોષણનું નેટવર્ક માત્ર અમેરિકા કે યુરોપ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તેનું જાળું ભારત સુધી પણ ફેલાયેલું હતું.

અદાલતી ફાઇલોમાં પીડિતોના નિવેદનો અને પુરાવાઓ છે, જેમાં આ ભારતીય મૂળની મહિલા કેવી રીતે આ ગ્લોબલ એબ્યુઝ નેટવર્કમાં ફસાઈ હતી તેની વિગતો આપવામાં આવી છે. જોકે, કાયદાકીય કારણોસર અને પીડિતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી શકે છે, પરંતુ દસ્તાવેજો સ્પષ્ટપણે સૂચવે છે કે તે એપ્સટિન અને તેના હાઈ-પ્રોફાઇલ મિત્રો દ્વારા ચલાવવામાં આવતા શોષણના ચક્રનો ભોગ બની હતી.

જેફરી એપ્સટિનના આ નેટવર્કમાં વિશ્વના અનેક દિગ્ગજ રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓના નામ અગાઉ પણ ઉછળ્યા છે. હવે ભારતીય મહિલાના નામનો ઉલ્લેખ થતા, આ કેસમાં ભારતીય કનેક્શનની તપાસ કરવાની માંગ પણ ઉઠી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ દસ્તાવેજો હજુ પણ અનેક મોટા નામો પરથી પડદો ઉઠાવી શકે છે.જેફરી એપ્સટિન પર વર્ષો સુધી સગીર છોકરીઓ અને યુવતીઓનું જાતીય શોષણ કરવાનો અને તેમને પ્રભાવશાળી લોકો પાસે મોકલવાનું રેકેટ ચલાવવાનો આરોપ હતો.

2019માં જેલમાં જ તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. તેની સાથીદાર ગિસ્લેન મેક્સવેલ હાલમાં જેલમાં છે. કોર્ટના આદેશ બાદ હવે આ કેસને લગતા તમામ ગુપ્ત દસ્તાવેજો ક્રમશ: જાહેર કરવામાં આવી રહ્યા છે.

Exit mobile version