વ્યાજના વરૂ બેફામ: વ્યાજ દેવા ગયેલા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી બે શખ્સોનો હુમલો

રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ વ્યાજના વરૂ બેફામ બન્યા છે. વ્યાજખોરોના કારણે અવાર નવાર લોકો આત્મહત્યાના પ્રયાસો કરી રહ્યા છે અને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી…

રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ વ્યાજના વરૂ બેફામ બન્યા છે. વ્યાજખોરોના કારણે અવાર નવાર લોકો આત્મહત્યાના પ્રયાસો કરી રહ્યા છે અને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા હોવાની ઘટનાઓ છાસ વારે પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતો યુવાન વ્યાજના રૂપિયા આપવા જતા બે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહેતા જનકભાઇ છગનભાઇ વાઘેલા નામનો 42 વર્ષનો યુવાન રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામા આવેલા સત્યમપાર્ક પાસે હતો ત્યારે નવીન ચાંડપા અને ધર્મેશ ચાંડપાએ ઝઘડો કરી બોટલ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં જનક વાઘેલાએ બે વર્ષ પહેલા ઘર ખર્ચ માટે રૂા.10 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતા. 10 હજારના 1 લાખ ચૂકવી દીધા છતાં ગઇકાલે રૂા.5 હજાર વ્યાજ પેટે આપવા ગયો હતો ત્યારે બંન્ને શખ્સોએ હજૂ તારે વધારે રૂપિયા આપવા પડશે તેમ કહી પઠાણી ઉઘરાણી કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.