ઓપરેશન સિંદૂરના શહીદોના નામ છૂપાવાયા હોવા બાબતે બિનજરૂરી વિવાદ

ગયા વરસે પાકિસ્તાન સામે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ભારતના 6 વીર જવાનોનાં નામ કેન્દ્ર સરકાર દ્વારા 13 મહિના પછી જાહેર કરાયાં તેનો વિવાદ…

ગયા વરસે પાકિસ્તાન સામે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ભારતના 6 વીર જવાનોનાં નામ કેન્દ્ર સરકાર દ્વારા 13 મહિના પછી જાહેર કરાયાં તેનો વિવાદ ચગ્યો છે. કોંગ્રેસે મોદી સરકાર સામે શહીદોનાં નામ છુપાવવાનો આક્ષેપ મૂક્યો છે અને સાથે સાથે મોદી સરકારે ઓપરેશન સિંદૂરમાં ભારતને થયેલા નુકસાનની વિગતો છુપાવીને દેશ સાથે ગદ્દારી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. કોંગ્રેસે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આપેલા એક નિવેદનનો વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એકસ પર મૂક્યો છે કે જેમાં રાજનાથ સિંહે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન થયું નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, કેન્દ્ર સરકારે આ જવાનોની શહાદત એક વર્ષ સુધી જાહેર નહીં કરીને શહીદો જે સન્માનના હકદાર હતા તેનાથી તેમને વંચિત રાખીને શહીદોનું અપમાન કર્યું છે.

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય લશ્કરે પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પોક)માં 6 મેના રોજ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા નવ આતંકી ઠેકાણાં પર હુમલા કરીને 100થી વધુ આતંકવાદીઓનાં ઢીમ ઢાળી દીધાં હતાં. 10 મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે વાતચીત પછી બંને વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો. સંરક્ષણ મંત્રાલયે હમણાં વોર મેમોરિયલ ખાતે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા લાન્સ નાયક દિનેશ કુમાર ( ફિફ્થ ફિલ્ડ રેજીમેન્ટ), અગ્નિવીર મૂડ મુરલીનાયક (851 લાઈટ રેજિમેન્ટ), સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર (એરફોર્સ, 39 વિંગ), સૂબેદાર મેજર પવન કુમાર (હેડક્વાર્ટર, 10 ઈન્ફન્ટ્રી બ્રિગેડ), રાઈફલમેન સુનીલ કુમાર (4 જમ્મુ એન્ડ કાશ્મીર ઈન્ફન્ટ્રી) અને હવાલદાર સુનિલકુમાર સિંહ (237 વર્કશોપ કંપની)નાં નામ કોતરાવ્યાં છે.

સંરક્ષણ મંત્રાલયે કોંગ્રેસના આક્ષેપોને બકવાસ અને દેશને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં એવો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓપરેશન સિંદૂરના છ શહીદોને પહેલીવાર હવે જાહેર સન્માન મળ્યું છે પણ આ વાત સાવ ખોટી છે. સંરક્ષણ મંત્રાલયે ક્યારે છે. ક્યારે આ શહીદોના નામનો ઉલ્લેખ કરાયો અને તેમને માન અપાયું તેની વિગતો પણ આપી છે. રાજનાથ કદાચ પાઇલટ્સના સંદર્ભમાં જ વાત કરતા હશે પણ વાતને યોગ્ય રીતે ના મૂકી શક્યા હોય એવું બને. વિપક્ષોએ : એ વખતે રાજનાથના નિવેદન સામે વાંધો લેવો જોઈતો હતો. હવે 12 મહિના પછી દૂધમાંથી પોરા કાઢો તેનો શો અર્થ?