ભારતીય ટીમનો સતત 16 T20 સિરીઝ જીતવાનો સિલસિલો તૂટ્યો, ડેબ્યૂ કરનાર પ્રિન્સ યાદવે ઝડપી 3 વિકેટ
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ પ્રવાસ પર અત્યંત નિરાશાજનક પ્રદર્શન કરતા ટી20 સિરીઝ ગુમાવી છે. ગઇકાલે બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાયેલી બીજી અને અંતિમ ટી20 મેચમાં આયર્લેન્ડે ભારતને 1 રનથી હરાવીને સિરીઝ પર 2-0 થી કબજો જમાવ્યો છે. આ ઐતિહાસિક જીત સાથે આયર્લેન્ડે ભારત સામે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટી20 સિરીઝ જીતીને ક્લીન સ્વીપ કર્યો છે. બીજી તરફ, ભારતીય ટીમનો સતત 16 ઝ20 સિરીઝ જીતવાનો ગૌરવશાળી સિલસિલો તૂટી ગયો છે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયર્લેન્ડની શરૂૂઆત નબળી રહી હતી. 48 રનના સ્કોર પર જ ટીમે ટિમ ટેક્ટર (5 રન), રોસ એડાયર (16 રન) અને કેપ્ટન લોર્કન ટકર (15 રન) ની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ બેન્જામિન કેલિટ્ઝ (37 રન) અને હેરી ટેક્ટરે (53 રન) ચોથી વિકેટ માટે 65 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવીને ઇનિંગને સંભાળી હતી. જ્યોર્જ ડોકરેલે પણ 19 રનનું યોગદાન આપ્યું હતું, જેના પરિણામે આયર્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 154 રનનો સન્માનજનક સ્કોર ઊભો કર્યો હતો.
ભારત તરફથી ડેબ્યૂ કરનાર પ્રિન્સ યાદવે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે અર્શદીપ સિંહ અને શિવમ દુબેએ 2-2 વિકેટ લીધી હતી. 155 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂૂઆત અત્યંત શરમજનક રહી હતી. માત્ર 35 રનના સ્કોર પર ટીમે 4 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર અભિષેક શર્મા અને સંજુ સેમસન ’ગોલ્ડન ડક’ (0 રન) પર આઉટ થયા હતા, જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયર માત્ર 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ત્રણેય મહત્વની વિકેટ આયર્લેન્ડના બોલર જય મુન્દ્રાએ લીધી હતી. ઈશાન કિશન પણ 12 રન બનાવીને રન આઉટ થયો હતો.
મુશ્કેલ પરિસ્થિતિમાં તિલક વર્મા અને અક્ષર પટેલે 39 રનની ભાગીદારી નોંધાવી હતી. મેથ્યુ હોલાર્ડે અક્ષરને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ત્યારબાદ તિલક વર્મા અને શિવમ દુબે (20 રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 35 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે મોટા શોટ્સની જરૂૂર હતી ત્યારે શિવમ દુબે મેથ્યુ હફ્રીસના હાથે કેચ આઉટ થયો હતો. તિલક વર્માએ 46 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી શાનદાર 55 રન બનાવ્યા હતા, પરંતુ તે મુશ્કેલ સમયમાં આઉટ થતા ભારતની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
મેચની છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે 20 રનની જરૂૂર હતી. હર્ષિત રાણાએ 21 રનની આક્રમક ઇનિંગ રમી અને પ્રિન્સ યાદવે અંતિમ બોલ પર છગ્ગો પણ ફટકાર્યો, છતાં ટીમ ઇન્ડિયા 9 વિકેટે 153 રન જ બનાવી શકી અને 1 રનથી રોમાંચક મેચ હારી ગઈ. આયર્લેન્ડ તરફથી જય મુન્દ્રા અને મેથ્યુ હોલાર્ડે 3-3 વિકેટ ઝડપીને ભારતની કમર તોડી નાખી હતી.
