Site icon Gujarat Mirror

ધરમનગરમાં ભાઈને તેડવા ગયેલા યુવાન પર અજાણ્યા શખ્સોનો હુમલો

શહેરના ઈન્દીરા સર્કલ પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતો યુવાન ધરમનગરમાં તેના ભાઈને તેડવા ગયો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ કોઈ કારણસર હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે હુમલો શા માટે કરવામાં આવ્યો ? તે અંગે ઈજાગ્રસ્ત યુવાન પણ અજાણ હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ઇન્દિરા સર્કલ પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા સાગરભાઈ ગીરીશભાઈ મોડસીયા (ઉં.વ. 38) આજે સવારે 11:00 વાગ્યાની આસપાસ પોતાનું બાઈક લઈને ધરમનગર ચોકમાં રહેતા પોતાના ભાઈ હિતેશભાઈને તેડવા માટે ગયા હતા.

સાગરભાઈ ત્યાં પહોંચ્યા જ હતા, તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને કાંઈ પણ બોલ્યા-ચાલ્યા વગર સાગરભાઈ સાથે ઝઘડો કરી હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ સાગરભાઈને ઢીંકાપાટુનો માર મારતા તેમને નાકના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના બાદ ઈજાગ્રસ્ત સાગરભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાગરભાઈએ જણાવ્યું હતું કે, “હું તો માત્ર મારા ભાઈને તેડવા ગયો હતો, મને ખબર પણ નથી કે પેલા લોકો કોણ હતા અને મને શા માટે માર માર્યો.” હાલમાં પોલીસે સાગરભાઈનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે અને હુમલાખોરો કોણ હતા તેમજ હુમલા પાછળનું કારણ શું હતું તે દિશામાં તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version