ગુજરાત
યુનિ.નો પરિપત્ર : ભવન-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત
DGPની સૂચનના અઠવાડિયા બાદ આખરે સત્તાધીશો જાગ્યા, મોટાભાગના કર્મચારી-છાત્રોએ નિયમનો ઉલાળિયો કર્યો
રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુનિવર્સિટી અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ માટે હેલ્મેટની અમલવારી કરાવવા ડીજીપી દ્વારા તમામ કુલપતિઓને પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને કોલેજના વિદ્યાર્થી, પ્રદ્યાપકો, આચાર્ય અને નોન ટીચીંગ સ્ટાફને હેલ્મેટ પહેરવા માટે સુચના આપવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને અઠવાડિયા પહેલા જ પરિપત્ર કરી હેલ્મેટ ફરજિયાત કરવામા માટે સુચના આપવામાં આવી હતી. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તમામ કોલેજ અને ભવનોના વડાઓને હેલ્મેટ બાબતે સુચના આપી તેની કડકથી અમલવારી કરવામાટે જણાવવામાં આવ્યું છે.
ડીજીપીએ કરેલા પરિપત્રની અસર વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફમાં જોવા મળી હતી નહીં વિદ્યાર્થીઓ અને મોટાભાગનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ હેલ્મેટ પહેર્યા વગર જ કોલેજ યુનિવર્સિટીમાં આવતા દેખાયો હતો. યુનિવર્સિટીનો પરિપત્ર કે ડીજીપીની સૂચનાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. અને બેદરકારી દાખવવામાં આવી રહી છે. રાજકોટની મોટાભાગની કોલેજોના વિદ્યાર્થીઓ બેફીકર થઈ હેલ્મેટ પહેર્યા વગર જ કોલેજોએ આવ્યા હતા તો અધ્યાપકો પણ આ પરિપત્રને હાસ્યમાં ધકેલી હેલ્મેટ પહેર્યા વગર કોલેજોએ અને ભવનમાં આવ્યા હતાં.
નર્મદ યુનિવર્સિટીમાં હેલ્મેટ નહીં પહેરનાર સામે હાથ જોડતા સત્તાધીશો
કુલપતિ, રજિસ્ટ્રાર અને સુરક્ષા અધિકારી ત્રણેય નર્મદ યુનિવર્સિટીના ગેટ પર પહોંચી ગયા હતા. અને કેમ્પસમાં આવનારા વિદ્યાર્થી, સ્ટાફને હેલ્મેટની આવશ્યકતાઓ સમજાવવામાં આવી હતી.અને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. દરમ્યાન એક પખવાડિયુ આ ઝુંબેશ ચાલશે. અને ત્યારબાદ કેમ્પસમાં નો હેલ્મેટ નો એન્ટ્રીનો નિયમ લાગુ કરાશે.
સપ્તાહ સુધી કુણું વલણ રખાશે : કુલપતિ
હેલ્મેટના પરિપત્ર અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. કમલસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, ડીજીપીની સુચના અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્ય અને ભવનના વડાઓ તેમજ વિવિધ વિભાગના અધ્યક્ષોને પરિપત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. એક સપ્તાહ સુધી હેલ્મેટ અંગે કુણુ વલણ દાખવવામાં આવશે અને ત્યાર બાદ હેલ્મેટ નહીં પહેરનાર સામે કડક કાર્યવાહી કરાશે.