Site icon Gujarat Mirror

રાજકોટ – ગોંડલ હાઇવે પર નિર્માણાધિન બ્રિજ તૂટી પડયો

થોડા દિવસ પહેલા જ ભરેલો સ્લેબ ખુલે તે પહેલા એક હિસ્સો ધસી પડતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ઉપર પારડી નજીક કોરાટ ચોકથી ટીલાળા ચોક તરફ જતા રસ્તા પર આઉટ ઓફ રીંગ રોડનું કામ ચાલુ હોય તે દરમિયાન નિર્માણાધીન બ્રિજનો એક ભાગ અચાનક ધરાસાઈ થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇને ઇજા થવા પામી હોવાના અહેવાલો નથી. પરંતુ નેશનલ હાઇવેના ચાલી રહેલા કામની ગુણવતા સામે સવાલો ઉઠવા લાગ્યા છે. આ બ્રિજ તુટી પડતા નિયત સમય મર્યાદા કરતા મોડા ચાલી રહેલા રાજકોટ – જેતપુર સીકસ લેન હાઇવેના કામમાં વધુ વિલંબ થવાનો પણ ખતરો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ – જેતપુર સીકસ લેન હાઇવેના કામમાં બ્રિજના નિર્માણ દરમિયાન આજે સવારે આ ઘટના બની હતી. સદભાગ્યે ઘટનાના સમયે ત્યાં કોઈ કામદાર કે વાહન હાજર ન હોવાથી જાનહાની ટળી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી મુજબ પારડી નજીક કોરાટ ચોકથી ટીલાળા ચોક તરફ જતા રસ્તા પર સવારે નવ નીર્મિત બ્રિજનો સ્લેબનો હિસ્સો તુટી પડયો હતો. સુત્રોના કહેવા મુજબ આ બ્રિજનો સ્લેબ હજુ થોડા દિવસ પહેલા ભરવામા આવ્યો હતો અને ટેકા – ચોકા પણ ખોલવામાં આવ્યા ન હતા તે દરમિયાન આજે સવારે અચાનક જ બ્રિજનો એક તરફનો હિસ્સો ધસી પડયો હતો. આ ઘટનાની જાણ થતા સવારે નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે વધુ વિગતો મેળવાય રહી છે.

Exit mobile version