સુત્રાપાડાના ટીંબડી ગામની ઘટના; રાજકોટમાં રહેતો પરિવાર વતનમાં ખેતી કામ કરવા ગયા બાદ યુવાન મામાના ઘરે જતા આરોપ લાગ્યો’તો
રાજકોટમાં રહેતો પરિવાર સુત્રાપાડાના ટીંબડી ગામે ખેતી કામ કરવા ગયો હતો. તે દરમ્યાન મામાના ઘરે રાત રોકાવા ગયેલા પરિણીત ભાણેજ પર મામાના પરિવારે પિતરાઇ સગીરાની છેડતી કર્યાનો આળ મુકતા યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુ હતું યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા સરદારનગરમાં રહેતો વિશાલ રામભાઇ વાળા નામનો 28 વર્ષનો યુવાન ગત તા.25ના રોજ સુત્રાપાડાના ટીંબડી ગામે પોતાની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયા યુવકનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મુળ સુત્રાપાડાના ટીંબડી ગામનો વતની હતો અને યુવાન વિધવા માતાનો આધારસ્થંભ અને એકની એક બહેનનો એકનો એક ભાઇ હતો. વિશાલ વાળા પત્ની અને માતા સાથે ખેતી કામ અર્થે ટીંબડી ગામે ગયો હતો. તે દરમ્યાન મામાના ઘરે ગયો હતો. જયા મામાના પરિવારે 13 વર્ષની નિંદ્રાધીન પિતરાઇ સગીરાની છેડતી કર્યાનુ આળ મુકી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વિશાલ વાળાને માઠુ લાગી આવતા ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુ હોવાનુ જાણવા મળ્યુ હતું. આ બનાવ અંગે સુત્રાપાડા પોલીસે નોંધ કરી વુધ તપાસ હાથ ધરી છે.
