શહેરમાં એક ચકચાર જગાવતી ઘટના પોલીસ સુધી પહોંચી હતી. જેમાં 12 વર્ષની બાળાને કેટરીંગમાં કામે લઇ જવાને બહાને એક મહિલાએ તેણીને માંડાડુંગર વિસ્તારના એક મકાનમાં લઇ જઇ ત્યાં બીજી મહિલાની મદદથી ગોંધી રાખી તેની પાસે બળજબરીથી દેહવેપલો કરાવતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી બંને મહિલાની ધરપકડ કરી છે.બાળા પાસે અલગ અલગ ગ્રાહક મારફત શરીર સંબંધ બંધાવી તેના બદલામાં તેને પાંચસો રૂૂપિયા આ મહિલા આપતી હતી. બાળાના પડોશમાં રહેતાં મહિલા બાળાને મહિલા સાથે જતી જોઇ જતાં તેણીના વાલીને વાત કરતાં પર્દાફાશ થયો છે.
ભોગ બનનાર બાળાના માતાની ફરિયાદ પરથી પોક્સો, ધ ઇમ્મોરલ ટ્રાફિકીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બે મહિલા રેખાબેન મહેશભાઈ ભલાભાઈ સાગઠીયા (ઉં.વ. 29, રહે. વિશ્વકર્મા સોસાયટી, બાપા સીતારામની મઢુલી પાસે, પુનિતનગર પાણીના ટાંકાની સામ) તથા અલ્પાબેન ઉર્ફે ભુરીબેન મહેશભાઈ રમેશભાઈ ગળચર (ઉં.વ. 43, રહે. માંડાડુંગર, શિવમ પાર્ક શેરી નંબર-1,રાજકોટ)ને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ,ફરિયાદીની 12 વર્ષની દિકરી 14મીના રોજ સવારે 11 વાગ્યા આસપાસ ઘર નજીક આવેલી દુકાને જતી હતી. બાદમાં ગાયબ થઇ હતી. પરિવારજનોએ શોધખોળ શરૂૂ કરી ત્યારે પડોશી મહિલાએ જાણ કરી હતી કે તમારી દિકરી દાદાના ઘરે નથી ગઇ પણ રેખાબેન નામની મહિલાની સાથે જતી જોવા મળી છે. પરિવારજનોએ દિકરીની શોધખોળ શરૂૂ કરી હતી એ દરમિયાન તેણીને સાંજે રેખાબેન ઘરે મુકી ગઈ હતી અને તેની માતાને કેટરિંગના કામમાં લઈ ગઈ હોવાનું કહી રૂૂ. 500 આપી જતી રહી હતી.
માતાને શંકા ઉપજતાં દિકરીને ફોસલાવીને સાચી હકીકત જણાવવાનું કહેતાં તેણીએ કહ્યું હતું કે પોતે ઘર નજીક દુકાને જતી હતી ત્યારે રેખાબેન સાગઠીયાએ તેને રોકી હતી અને તારે કેટરિંગના કામમાં આવવુ છે તેમ પુછતાં તેણીએ હા પાડતા રેખાબેન તેને ચાલીને ગોંડલ ચોકડી તરફ લઈ ગઈ હતી. ત્યાંથી રિક્ષામાં બેસાડી આજીડેમ ચોકડી પહોંચાડયા બાદ એક યુવક એક્ટિવા લઈને આવ્યો હતો, જે બંનેને માંડાડુંગર વિસ્તારમાં આવેલા એક મકાને લઈ ગયો હતો. અહિ રેખાબેન અને તેની પરિચીત અલ્પાબેન ઉર્ફે ભુરીએ અલગ અલગ ચાર વખત મકાનમાં ગોંધી રાખી હતી અને આ બાળા પાસે ગ્રાહકો મોકલી તેની પાસે દેહવેપલો કરાવ્યો હતો. ગ્રાહક દિઠ બાળાને રૂૂપિયા પાંચસો પણ આ મહિલાઓએ ચુકવ્યા હતાં. આ અંગે સગીરાના પરિવારે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આજીડેમ પી.આઈ. એચ. એન. પટેલ, પીએસઆઈ ડી. કે. ધાંધલા અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનો નોંધી બંને મહિલાની ધરપકડ કરી સગીરા સાથે સંબંધ બાંધનારાઓની સામે પણ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

