જોડિયા તાલુકાના જશાપર ગામના 56 વર્ષીય ખેડૂતે લતીપર ગામના બે શખ્સો સામે લાયસન્સ વિના નાણાં ધીરધાર કરી ઊંચા વ્યાજે રકમ વસૂલવા તેમજ ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 351(1), 54 તથા ગુજરાત મનીલેન્ડર્સ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદી નરભેરામ ડાયાભાઈ પનારા ખેતીકામ કરે છે. ફરિયાદ મુજબ, વર્ષ 2023માં પુત્રના લગ્ન તથા રાજકોટમાં મકાન ખરીદવા માટે નાણાંની જરૂૂર પડતાં લતીપરના જનકભાઈ જીલુભાઈ ડાંગર પાસેથી પ્રથમ રૂૂ.5 લાખ 3 ટકા માસિક વ્યાજે લીધા હતા. તેના બદલામાં બેંકનો કોરો ચેક આપ્યો હતો. બાદમાં વધુ રૂૂ.7 લાખ અને ત્યારપછી રૂૂ.8 લાખ લઈ કુલ રૂૂ.20 લાખ લીધા હતા અને અલગ અલગ કોરા ચેક આપ્યા હતા.
ફરિયાદીનો આક્ષેપ છે કે, રૂૂ.20 લાખની મૂળ રકમ સામે વર્ષો દરમિયાન વ્યાજ પેટે કુલ રૂૂ.10.89 લાખ ચૂકવ્યા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરવામાં આવી હતી. વર્ષ 2025માં જ રૂૂ.36 લાખ જેટલું વ્યાજ રોકડમાં તથા રૂૂ.58 હજાર ગુગલ પે મારફતે ચૂકવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. વર્ષ 2026માં પાંચ મહિના દરમિયાન રૂૂ.20 લાખ જેટલું વ્યાજ ચૂકવ્યું હોવાનો તથા ત્રણ સોનાની વીંટી અને જમીનની ખાતાવહી પણ લઈ લેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દરમિયાન બીજા આરોપી રાહુલભાઈ બચુભાઈ ડાંગર પાસેથી પણ ફરિયાદીએ રૂૂ.9 લાખ 3 ટકા માસિક વ્યાજે લીધા હતા. તેના બદલામાં સેન્ટ્રલ બેંકના કોરા ચેક આપ્યા હતા. ફરિયાદ મુજબ, આ રકમના વ્યાજ પેટે આશરે રૂૂ.3.5 લાખ ગુગલ પે તથા રોકડમાં ચૂકવ્યા બાદ મૂળ રકમ પણ પરત કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ વર્ષ 2026માં ફરી રૂૂ.9 લાખ લીધા હોવાનું અને આરોપીએ વ્યાજ વધ્યું હોવાનું કહી એક દિવસના રૂૂ.20 હજાર લેખે ત્રણ મહિના સુધી કુલ રૂૂ.18 લાખ વ્યાજ તરીકે વસૂલ્યાનો ફરિયાદમાં આક્ષેપ છે.
ફરિયાદીનો વધુ આક્ષેપ છે કે, પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી વધુ રકમની ઉઘરાણી કરવામાં આવી હતી તેમજ રૂૂ.9 લાખ હાથઉછીના લીધા હોવાનું બળજબરીપૂર્વક લખાણ કરાવવામાં આવ્યું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, બંને શખ્સોએ અગાઉ લીધેલા કોરા ચેકમાં પોતાની રીતે મોટી રકમો ભરી બેંકમાં રજૂ કરતાં ચેક પરત ફર્યા હતા અને ત્યારબાદ તેમના વકીલ મારફતે ફરિયાદીને નોટિસો મોકલવામાં આવી હતી. મૂળ રકમ કરતાં વધુ વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં ધાકધમકી આપી વધુ રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
