ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચમોલી જિલ્લામાં જોશીમઠમાં વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાઇટ પર ટનલમાં બે ટ્રેનો સામસામે ટકરાતા ભારે અફરાતફરી મચી ગઈ છે. પ્રારંભિક અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં અંદાજે 70 જેટલા લોકો ઘાયલ થયા છે. ગત રાત્રે 10 વાગ્યાના આસપાસ આ ઘટના બની હતી. , જ્યારે શ્રમિકોની શિફ્ટ બદલાઈ રહી હતી. બંને ટ્રેનોમાં લગભગ 108 શ્રમિકો સવાર હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. જેમાંથી ચાર ગંભીર રીતે ઘાયલ થયાં હોવાની માહિતી સામે આવી છે.
પ્રાથમિક તપાસ મુજબ, ચમોલી જિલ્લાના પીપલકોટીમાં નિર્માણાધીન ટીએચડીસી વિષ્ણુગાડ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના ટીબીએમ સાઇટ પર મંગળવારે રાત્રે શિફ્ટ ચેન્જ દરમિયાન કામદારોને લઈ જતી બે ટ્રેન ટનલની અંદર અથડાઈ હતીકોઈ ટેકનિકલ ખામીને કારણે એક ટ્રેન પાછળથી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. સુરંગના અંધારાવાળા ભાગમાં થયેલી આ ટક્કરને કારણે અંદર હાજર શ્રમિકો પોતાને સંભાળી શક્યા ન હતા અને ઘણા લોકો ટ્રેનની અંદર જ પડી ગયા. ટક્કર થતાની સાથે જ સુરંગની અંદર બૂમાબૂમ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો દ્વારા ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મોટાભાગના શ્રમિકોને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે કેટલાકને ગંભીર ઈજાઓને કારણે વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જિલ્લા મેજિસ્ટ્રેટ ચમોલી સાથે ફોન પર વાત કરી અને ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને તમામ ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવા અને જરૂરિયાત મુજબ તેમને ઉચ્ચ હોસ્પિટલોમાં રિફર કરવાનો નિર્દેશ આપ્યો.

