Site icon Gujarat Mirror

બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદાનું નિધન: પડોશી દેશનું રાજકારણ કરવટ બદલશે

બાંગ્લાદેશનાં પહેલાં મહિલા વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું ગઇકાલે 80 વર્ષની વયે નિધન થયું એ સાથે જ એશિયાનાં એક મહાન મહિલા નેતાએ કાયમી વિદાય લીધી. બાંગ્લાદેશના રાજકારણમાં ખાલિદા ઝિયા અને શેખ હસીનાની રાજકીય હરીફાઈ જાણીતી છે. શેખ હસીનાનો પરિવાર ભારત તરફી હતો અને હસીના પોતે પણ ભારતનાં સમર્થક છે. બીજી તરફ ખાલિદા ઝિયાની નીતિ ભારત તરફી નહોતી તેથી ભારતીયોને હસીના માટે સોફ્ટ કોર્નર છે અને ખાલિદાને ઘણાં વિલન માને છે પણ બાંગ્લાદેશમાં ખાલિદા ઝિયાને શેખ હસીના કરતાં મોટાં નેતા માનવામાં આવે છે.

ખાલિદા ઝિયાને બાંગ્લાદેશીઓ જ નહીં પણ આખી દુનિયા જીગરવાળાં નેતા તરીકે સલામ કરે છે. તેમાં કશું ખોટું પણ નથી કેમ કે ખાલિદા ઝિયાએ બાંગ્લાદેશમાં લોકશાહીની ફરી સ્થાપના માટે જે જંગ ખેલ્યો એવો જંગ બહુ ઓછાં લોકો ખેલી શકે. જનરલ ઈર્શાદના સરમુખત્યારશાહી શાસન સામે શેખ હસીના સહિતનાં બધાંએ ઘૂંટણ ટેકવી દીધાં હતાં ત્યારે ખાલિદા લડતાં હતાં અને બાંગ્લાદેશમાં ફરી લોકશાહીની સ્થાપના કરાવીને જ તેમણે ઝંપ લીધો. જનરલ ઈરશાદે ખાલિદાને દબાવી દેવા માટે બહુ ફાંફાં મારી જોયાં પણ ખાલિદાએ મચક નહોતી આપી. સાત વર્ષમાં સાત વાર તો ખાલિદાને જેલભેગાં કરી દેવાયાં અને નજરકેદ તો કેટલો સમય રહ્યાં તેનો હિસાબ જ નથી પણ ખાલિદાના નમ્યાં તેના જ નમ્યાં.

ઈરશાદે 1986માં તમાશારૂૂપ ચૂંટણી કરી ત્યારે શેખ હસીનાની અવામી લીગ સહિતની પાર્ટીઓ પાણીમાં બેસી ગઈ હતી અને ચૂંટણી લડી હતી પણ ખાલિદાએ ચૂંટણીનો બહિષ્કાર કરીને કદી નહીં ઝૂકવાના મિજાજનો પરચો આપ્યો હતો. આ કારણે બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં ખાલિદા ઝિયાને મર્દાના મિજાજનાં નેતા ગણવામાં આવે છે. ખાલિદા ઝિયા શેખ હસીનાની જેમ ભારતનાં ખુલ્લાં સમર્થન નહોતાં બલકે ઘણા બધા મુદ્દે ખાલિદાનું વલણ ભારત વિરોધી હતું પણ સામે એ પણ કબૂલવું પડે કે, ખાલિદાએ પાકિસ્તાન કે ” ચીનને બાંગ્લાદેશમાં ઘૂસવા નહોતાં દીધાં. ખાલિદા ઝિયા કહેતાં કે, બાંગ્લાદેશની સાર્વભૌમત્વ અને સુરક્ષા સર્વોપરી છે.

આ કારણે ભારત સાથે ટકરાવ પણ થતો પણ ભારત તરફ ખાલિદાએ કદી ખાર નહોતો બતાવ્યો કે, પાકિસ્તાન કે ચીનના ખોળામાં બેસીને ભારતને નુકસાન પણ નહોતું કર્યું. ખાલિદા 1972ની ભારત-બાંગ્લાદેશ મૈત્રી સંધિની વિરુદ્ધ હતાં. તેમની દલીલ હતી કે આ સંધિને કારણે બાંગ્લાદેશ પગભર નથી થતું અને ભારતનું આંગળિયાત હોય એવી છાપ પડે છે. ? ખાલિદા વડાં પ્રધાન હતાં ત્યારે ભારતે ઉત્તરપૂર્વીય રાજ્યો સુધીનો રસ્તો પહોળો કરવા માટે બાંગ્લાદેશ પાસે જમીન માગી હતી પણ ખાલિદાએ જમીન નહોતી આપી. ખાલિદાનું કહેવું? હતું કે, બાંગ્લાદેશની ધરતી પરથી ભારતને પસાર થવા દેવાથી બાંગ્લાદેશની સુરક્ષાને જોખમ થશે. ખાલિદા પોતાનું રાજકારણ રમતાં હતાં પણ પાકિસ્તાન-ચીનની કઠપૂતળી કદી ના બન્યાં એ માટે પણ ભારત તેમને યાદ રાખશે.

Exit mobile version