હોટલ સંચાલકની હત્યામાં દેવળિયા વાડીએથી બે પિસ્તોલ અને 8 કાર્ટીસ કબજે કરાયા

શહેરના નાનામવા વિસ્તારમાં માત્ર બાઇક ધીમે ચલાવવા જેવી બાબતમાં ઠપકો આપવા બદલ એક આશાસ્પદ યુવકની ફાયરીંગ કરી હત્યા કરી દેવામાં આવી હોય આ ઘટનામાં તપાસ…

શહેરના નાનામવા વિસ્તારમાં માત્ર બાઇક ધીમે ચલાવવા જેવી બાબતમાં ઠપકો આપવા બદલ એક આશાસ્પદ યુવકની ફાયરીંગ કરી હત્યા કરી દેવામાં આવી હોય આ ઘટનામાં તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચની ટીમે નવલનગરમાં રહેતા મુખ્ય આરોપી રણજીત નાજાભાઈ વાળા અને તેના 18 વર્ષીય પુત્ર રાજવીર વાળા અને અન્ય એક સગીર પુત્ર સહિત ત્રણેય હુમલાખોરોની ધરપકડ કર્યા બાદ રાજવીર વાળાના ત્રણ દિવસના રિમાન્ડ ઉપર પુછપરછ શરૂૂ કરી છે.

નાનામવા ગામમાં રહેતા અને ધ્રાંગધ્રા હોટેલ ચલાવતા 30 વર્ષીય કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા નામના યુવકને તેના ઘર પાસે જ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘાતકી ગુનો આચર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે સનસનાટી મચી ગઈ હતી. આ ગંભીર હત્યાકાંડની જાણ થતાં જ સ્થાનીય પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું હતું. કેસની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ સમગ્ર તપાસ તાત્કાલિક ધોરણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જ્યારે રણજીતના પુત્ર રાજવીરને અદાલતમાં રજૂ કરીને સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરાવવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં પ્રયોજાયેલા બે ઘાતક હથિયાર અને 8 જીવતા કાર્તૂસ કબજે કર્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા મુખ્ય આરોપી રણજીત વાળાની પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ઘટનાના દિવસે દીકરાનો ફોન આવતા જ રણજીત પોતાની ગેરકાયદેસર પિસ્તોલ લઈને મોકાજી સર્કલ પાસે પહોંચ્યો હતો. ત્યાં દીકરાઓએ ઝઘડો કરનાર કૃષ્ણસિંહ તરફ ઈશારો કરતા જ રણજીતે પોતાની પિસ્તોલમાંથી અંધાધૂંધ ફાયરિંગ શરૂૂ કર્યું હતું. આ દરમિયાન કૃષ્ણસિંહે બચાવ મુદ્રામાં આવી રણજીતને જોરથી ધક્કો મારતા તે જમીન પર પટકાઈ ગયો હતો. આ ઝપાઝપી અને ખેંચતાણ દરમિયાન રણજીતના હાથમાં રહેલી પિસ્તોલમાંથી અચાનક મિસ ફાયરિંગ થતાં ગોળી તેના જ ડાબા પગના ઘૂંટણના ભાગે વાગી ગઈ હતી.

હોસ્પિટલમાંથી આરોપી રણજીત વાળાને રજા આપવામાં આવ્યા બાદ પોલીસ તેની વિધિવત ઓળખ પરેડ કરાવશે. ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.પી.ઝાલા સાથે રાઈટર ગીરીરાજસિંહ, ભરતભાઈ વનાણી સહિતનો સ્ટાફ વધુ તપાસ ચલાવી રહ્યો છે.