Site icon Gujarat Mirror

રાજકોટમાં કોસ્મેટીકના માર્કેટીંગ માટે આવેલા દિલ્હીના વેપારી સહિત બેના હાર્ટ એટેકથી મોત

હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં દિલ્હીથી કોસ્મેટીકના માર્કેટિંગ માટે રાજકોટ આવેલા દિલ્હીના વેપારી અને અન્ય પ્રોઢાનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા અરેરાટી મચી જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દિલ્હીમાં રહેતા રમેશભાઈ ચુંગામલભાઈ રહેજા નામના 72 વર્ષના વૃદ્ધ ગઈકાલે રાજકોટમાં બસ સ્ટેશન પાસે આવેલી સમ્રાટ હોટેલમાં હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી પ્રાથમિક પૂછપરછમાં રમેશભાઈ રહેજાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે રમેશભાઈ રહેજા દિલ્હીમાં કોસ્મેટિકનો વેપાર કરે છે અને ગઈકાલે અમદાવાદથી ઉઘરાણી અને માર્કેટિંગ માટે રાજકોટ આવ્યા હતા અને સમ્રાટ હોટલમાં રોકાણ કર્યું હોવાથી જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા જયપ્રકાશનગરમાં રહેતા એમુનાબેન હનીફભાઈ શાહમદાર નામના 58 વર્ષના પ્રોઢા રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે હદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version