રાજુલામાંથી પાંચ કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરેલી એસ.ઓ.જી. ટીમે મોટી કાર્યવાહી કરતાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓના કબ્જાના ગેરેજમાંથી 5 કિલો…

રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરેલી એસ.ઓ.જી. ટીમે મોટી કાર્યવાહી કરતાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓના કબ્જાના ગેરેજમાંથી 5 કિલો 218 ગ્રામ સુકો ગાંજો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂપિયા 2,69,600નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વે, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરી અટકાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ ગુજરાતને નશામુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભાવનગર વિભાગના પોલીસ મહાનિરિક્ષક આર.વી. અસારી તથા અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ઈશરાણીની આગેવાનીમાં એસ.ઓ.જી. ટીમ રાજુલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે ગુડલક જમ્પર સર્વિસ ગેરેજ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન નાજીમશા અહેમદશા પઠાણ અને ગૌતમકુમાર દિલીપકુમાર ઝા પાસેથી 5.218 કિલો સુકો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂૂપિયા 2,60,900 થાય છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં નાજીમશા અહેમદશા પઠાણ (ઉ.વ.29), રહે. ડોળીયાનો પટ્ટ, સરકારી ગોડાઉન પાછળ, રાજુલા તથા ગૌતમકુમાર દિલીપકુમાર ઝા (ઉ.વ.37), હાલ રહે. કોહીનૂર હોટલ પાસે, રાજુલાનો સમાવેશ થાય છે. જ્યારે ઝારખંડના બિટ્ટુકુમાર નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજાના જથ્થા ઉપરાંત બે મોબાઈલ ફોન, ડિજિટલ વજન કાંટો, બેગ અને રોકડ રકમ મળી કુલ રૂૂપિયા 2,69,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.