ખંભાળિયાના સોનારડી ગામે જીવંત વીજ વાયર તૂટતા બે ખેડૂતોના મોત

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે ગતસાંજે ખેતરમાં કામ કરી રહેલા બે પ્રૌઢ ધરતીપુત્રોના જીવંત વીજ વાયર તૂટીને પડતા તેમના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ…

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે ગતસાંજે ખેતરમાં કામ કરી રહેલા બે પ્રૌઢ ધરતીપુત્રોના જીવંત વીજ વાયર તૂટીને પડતા તેમના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવે મૃતકના પરિવારજનો સાથે ગ્રામજનોમાં કરુણતા સાથે તંત્ર સામે રોષની લાગણી જોવા મળી હતી.

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના દ્વારકા માર્ગ પર આવેલા સોનારડી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા તખુભા પ્રતાપસંગ જાડેજા (ઉ.વ. 52) તેમજ તેમની પાસે જ નજીક જ અન્ય એક ખેતર ધરાવતા રામસંગ ભોજુભા જાડેજા (ઉ.વ. 63) ગઈકાલે શુક્રવારે સાંજે તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે આશરે 4:30 વાગ્યાના સમયે તેમના ખેતર ઉપરથી પસાર થતો પીજીવીસીએલનો જીવંત વીજ વાયર તૂટીને તેમના પર પડતાં આ બંનેને મૂર્છિત અવસ્થામાં અહીંની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ બંને શેઢા પાડોશી એવા પિતરાઈ ભાઈઓના એક સાથે અવસાન થતાં તેમના પરિવારનો સાથે નાના એવા સોનારડી ગામમાં પણ ભારે કરુણતા પ્રસરાવી છે. વધુ વિગત મુજબ ગામના સરપંચ અર્જુનસિંહ જાડેજા દ્વારા પીજીવીસીએલને અહીં મેન્ટેનન્સ તેમજ વાયર બદલવા માટેની અવારનવાર રજૂઆતો વચ્ચે કોઈ ગંભીર અકસ્માતની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આખરે આ બે વ્યક્તિઓના અકાળે અવસાન થયાનો બનાવ બનવા પામ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવની કરુણતા એ છે કે મૃતક તખુભા જાડેજાના માતા અસ્થિર મગજના છે તેમજ 85 વર્ષના વૃધ્ધ પિતા પણ શારીરિક રીતે ખૂબ જ બીમાર રહે છે. તેમનો પુત્ર આશરે 13 વર્ષનો હોય, બે પુત્રીઓ સાથેના આ પરિવારજનોએ ઘરના મોભી તખુભા જાડેજાની છત્રછાયા ગુમાવતા ભારે કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

જ્યારે રામસંગ જાડેજાનો એકનો એક પુત્ર પણ માનસિક સ્વસ્થ હોવાનું કહેવાય છે. આ બંનેના પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવું ચિત્ર ખડું થયું છે. અપમૃત્યુના આ બનાવ અંગેની જાણ ઘનુભા ભોજુભા જાડેજા (ઉ.વ. 50, રહે. સોનારડી) એ અહીંની પોલીસને કરી છે. જેથી પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂૂરી કાર્યવાહી કરી હતી. જાડેજા પરિવારમાં એક જ કુટુંબમાં બે વ્યક્તિઓના વ્યક્તિઓના અપમૃત્યુના આ બનાવે સોનારડી ગામમાં ભારે અરેરાટી સાથે વીજતંત્ર સામે રોષની લાગણી પ્રસરાવી છે.