જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના અકસ્માતમાં બે દંપતી ખંડિત

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બનેલા હિટ એન્ડ રન ના બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ છે. એક બનાવમાં…

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બનેલા હિટ એન્ડ રન ના બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ છે. એક બનાવમાં ટેન્કરની ઠોકરે બાઇક ચાલકનું પોતાની પત્નીની નજર સમક્ષ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પત્ની ને ઈજા થઈ છે, જ્યારે બીજા બનાવમાં બાઈક પરથી પટકાતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બંને બનાવોમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના આંચવડ ગામના અને હાલ લાલપુર તાલુકાના જાખર ગામે રહેતા દિવ્યાબા યુવરાજસિંહ ગોહિલ પોતાના પતિ યુવરાજસિંહ સાથે સારવાર માટે જામનગર આવ્યા હતા.

સારવાર પૂર્ણ કરી તેઓ હોન્ડા મોટરસાયકલ નં. જી.જે. -3 એચ.જે. 1498 ઉપર બેસી ને પરત ફરી રહ્યા હતા. દરમિયાન જામનગર-દ્વારકા હાઇવે પર લહેર તળાવ નજીક ચારણના નેશ પાસે પાછળથી આવેલા ટેન્કર નં. જી.જે. -6 બી.વાય. 2155 ના ચાલકે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં દિવ્યાબાને માથાના ભાગે ઇજા પહોંચી હતી, જ્યારે તેમના પતિ યુવરાજસિંહને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે સિક્કા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 106(1), 125(એ), 125(બી), 281 તથા મોટર વાહન અધિનિયમની કલમ 134, 177 અને 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજા બનાવમાં કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ નજીક કાલાવડ-જામનગર રોડ પર અકસ્માત સર્જાયો હતો. મોટી માટલી ગામે રહેતા યુનુસભાઈ ઇસુભાઈ જોખીયા પોતાની પત્ની નુરજહાબેન સાથે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. દરમિયાન રાધે હોટલ સામે આવેલા રોડના વળાંક પાસે પાછળ બેઠેલા નુરજહાબેન અચાનક બાઈક પરથી પટકાઈ ગયા હતા. અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે અકસ્માત મોત નોંધવામાં આવ્યો છે, અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.