શહેરના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ, બાપા સીતારામનગરમાં બ્યુટી પાર્લર ચલાવતાં ગીતાબેન કિશોરભાઈ વાજા નામની મહિલાની ગળું કાપી થયેલી હત્યાનો ભેદ અંતે રાજકોટ ક્રાઈમ બ્રાંચે સફળતાપૂર્વક ઉકેલી નાખી આં ચકચારી હત્યામાં સંડોવાયેલ મૃતકના ઘરની બરાબર પાછળ એક જ દીવાલે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાના કુકાપુરના વતની કેટરિંગમાં કામ કરતા બે સગા ભાઈઓ રામનરેશ અશોક જાટવ (ઉ.વ.ર4) અને શનીકુમાર અશોકકુમાર (ઉ.વ.19)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ વતનમાં લીધેલી 2 લાખનું દેણું ચુકવવા માટે રૂૂપિયાની જરૂૂર હોઈ, આ હત્યાને અંજામ આપી રૂૂ.40 હજારની લૂંટ ચલાવી હતી.
ઘટનાની મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ, બાપા સીતારામનગરમાં બ્યુટી પાર્લર ચલાવતાં ગીતાબેન કિશોરભાઈ વાજા એકલા જ રહેતા હતા, તેમના પતિ કિશોરભાઈ રવજીભાઈ વાજા અને પુત્ર આશિષ અલગ સલૂનની દુકાન ધરાવે છે અને ત્યાં જ રહે છે, જ્યારે અન્ય એક પુત્ર વડોદરા રહે છે. ઘટનાની આગલી રાત્રે પુત્ર આશિષ માતા પાસેથી ટિફિન લઈ ગયો હતો. બીજી સવારે જ્યારે તે ખાલી ટિફિન આપવા માટે ઘરે આવ્યો ત્યારે માતાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને યુનિવર્સિટી પોલીસ ઉપરાંત એલસીબી ઝોન-2 અને ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી.
પોલીસે મૃતકના ઘર આસપાસ રહેતા કેટરિંગમાં કામ કરતા સ્ટાફની પુછપરછ કરી હતી ત્યારે ગીતાબેનના ઘરની પાછળ રહેતા મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાના બે ભાઈઓ રામનરેશ જાટવ અને શની જાટવની ગતિવિધિ શંકાસ્પદ લાગતા બંને પૂછપરછ શરૂૂ કરી હતી.
શરૂૂઆતમાં બંને ભાઈઓએ “અમે પડોશી છીએ અને આ બાબતે કાંઈ જાણતા નથી” તેવું રટણ ચાલુ રાખ્યું હતું. બન્ને ભાઈઓ પોલીસને શંકા ન જાય તે માટે તપાસમાં સાથે રહ્યા હતા. જોકે, પોલીસે ઊંડાણપૂર્વક અને વિશિષ્ટ ઢબે આકરી પૂછપરછ કરતા અંતે બંને ભાઈઓએ હત્યા અને લૂંટના ઈરાદે હત્યાની કબૂલાત આપી હતી. એકાદ મહિના પહેલાં જ આગ્રાથી રાજકોટ કેટરીંગનું કામ કરવા આવેલા બન્ને ભારીઓ રામનરેશ અને શનીએ વતનમાં સરપંચ પાસેથી કેટરીંગના ધંધા માટે રૂૂ. બે લાખની લોન લીધી હતી, જેના હપ્તા ચડી ગયા હોવાથી તેમને નાણાંની સખત જરૂૂર હતી. જેથી દેણું ચુકવવા ગીતાબેનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પોતાના ઘરની અગાસી પરથી ગીતાબેનનું મકાન સ્પષ્ટ દેખાતું હતું અને ગીતાબેન એકલાં રહે છે તેની તેમને જાણ હતી. અને ગીતાબેન પોતે સોનાના ઘરેણા પહેરતા હોય મોટી રકમ મળશે તેવી આશાએ લુંટનો પ્લાન બનાવ્યો હતો.
મોરબી કેટરિંગનું કામ પૂર્ણ કરી બનાવની રાતે બન્ને રાજકોટ આવ્યા ત્યારે ગત 17મીની રાત્રે બંને ભાઈઓ દીવાલ ઠેકીને ઘરમાં ઘૂસ્યા હતા. અવાજ થતાં ગીતાબેન જાગી ગયાં હતાં. આરોપીઓએ તેમની પાસે રૂૂપિયાની માંગણી કરી હતી, પરંતુ ગીતાબેને ના પાડતાં કેટરીંગના કામમાં વપરાતી મોટી ચોરસ છરી વડે તેમના ગળા સહિતના ભાગે ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ઘરમાં રાખેલા રોકડા રૂૂ. 40,000 ની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.
હત્યા બાદ બન્ને ભાઈઓ પોતાના ઘરે જતા રહ્યા હતા. કપડાં પર લોહીના ડાઘા ઉડ્યા હોવાથી તેમણે અગાસી પર જઈને કપડાં સળગાવી દીધાં હતાં. જોકે, પોલીસે ગુનામાં વપરાયેલી છરી અને સળગાવી દેવાયેલા કપડાંના અવશેષો કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી રામનરેશ અગાઉ પણ ઉત્તર પ્રદેશમાં ચોરી અને પોક્સો જેવા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે.
પોલીસથી બચવા માટે બંને ભાઈઓએ શાતિર દિમાગ વાપર્યું હતું. જો તેઓ ભાગી જાય તો પોલીસને શંકા જાય, તેથી તેઓ ભાગવાને બદલે પોલીસ કાર્યવાહી દરમિયાન સતત પોલીસની સામે જ હાજર રહ્યા હતા. પરંતુ તેમની શંકાસ્પદ હિલચાલ પોલીસે ઓળખી લીધી હતી અને બન્નેની આગવી ઢબે પુછપરછ કરતા ભેદ ઉકેલાયો હતો. આ સમગ્ર સફળ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરી હેઠળ પીઆઈ એ. એસ. ચાવડા, પીઆઈ એમ. એલ. ડામોર, પીઆઈ સી. એચ. જાદવ સાથે યુનિવર્સીટી પોલીસ મથકના પી.આઈ કે.કે.ગોહિલ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.પી. ઝાલા, વી.ડી.ડોડીયા, એ.અન.પરમાર, વી.ડી.રાવલીયા, એસ.એમ.રાણા તેમજ એલસીબી ઝોન-2ના પીએસઆઈ એસ.વી.ચુડાસમા અને તેમની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી છે.
મૃતકના પુત્રની દુકાન પાસે હત્યારાની શંકાસ્પદ હીલચાલ પોલીસ માટે મહત્વની કડી સાબિત થઇ
કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ બાપા સીતારામનગરમાં રહેતાં બ્યુટી પાર્લર સંચાલિકા ગીતાબેન વાજાની સરેઆમ થયેલી ક્રૂર હત્યા અને લૂંટનો ભેદ ઉકેલવામાં રાજકોટ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા સાંપડી છે. હત્યા કર્યા બાદ પડોશમાં જ રહેતા આરોપી રામનરેશ અને તેનો ભાઈ સની કુમાર જાટવ સતત પોલીસની સામે જ રહીને પોતે નિર્દોષ હોવાનો નાટક કરી રહ્યા હતા.તપાસ દરમિયાન મૃતક ગીતાબેનના પુત્ર આશિષની હેર સલૂનની દુકાન પાસે આ બંને ભાઈઓની શંકાસ્પદ હિલચાલ સીસીટીવીમાં પોલીસની નજરે ચડી હતી.બન્ને ગીતાબેનના પુત્રના સલુન પાસે શું કરવા ગયા ? તે મુદ્દો પોલીસ તપાસમાં મહત્વનો સાબિત થયો એક તરફ બંને ભાઈઓ તપાસમાં પોલીસની સાથે જ રહીને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે બીજી તરફ સલૂન નજીકની તેમની આ શંકાસ્પદ ગતિવિધિ જ પોલીસ માટે ગુનાનો ભેદ ઉકેલવામાં સૌથી મહત્વની કડી સાબિત થઈ હતી. પોલીસે આ શંકાના આધારે બંનેની કડક પૂછપરછ કરતાં અંતે તેમણે વતનમાં લીધેલી બે લાખની લોનના હપ્તા ભરવા માટે આ હત્યા અને લૂંટ આચરી હોવાની કબૂલાત આપી દીધી હતી.
