જામનગર પંથકમાં તહેવારોમાં બે અકસ્માત, ત્રણના મોત

જામનગર પંથકમાં નુતન વર્ષ અને ભાઈબીજ જેવા સપરમાં બે દિવસ દરમિયાન સર્જાયેલા બે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં છે, જ્યારે આઠ વ્યક્તિને નાની-મોટી…

જામનગર પંથકમાં નુતન વર્ષ અને ભાઈબીજ જેવા સપરમાં બે દિવસ દરમિયાન સર્જાયેલા બે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં છે, જ્યારે આઠ વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જોગવડ ખાતે આશાપુરા માતાજીનાં દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની ઈકો કારનું ટાયર ફાટતાં અલીયાબાડા પાસે પુલ સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી, જેમાં 19 વર્ષની યુવતી અને 55 વર્ષીય મહિલાનાં મોત થયાં હતાં. જ્યારે બીજા દિવસે રણુજા મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા બે ભાઈઓની મોટરસાઇકલને મોડપર ગામ પાસે ટ્રકે અડફેટે લેતાં 21 વર્ષના નાના ભાઈનું મોત નીપજ્યું હતું.

જામનગર નજીક અલીયાબાડા ગામના પાટિયા પાસે ગત તા. 10 નવેમ્બરના રોજ સાંજે આશરે છ વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જામનગરના બાડા ગામે રહેતા મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ. 51)ના પરિવારજનો અને સગાંસંબંધીઓ કુલદીપસિંહ ધીરુભા ઝાલાની ઈકો કાર નં. જીજે-10-ડીઆર-3194માં જોગવડ ગામે આશાપુરા માતાજીનાં દર્શન કરવા ગયાં હતાં. દર્શન કરીને પરત ફરતી વખતે અલીયાબાડા ગામના પાટિયા પાસે પુલ ઉપર ઈકો કારનું આગળનું ટાયર અચાનક ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી પુલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકો ફંગોળાઈ ગયાં હતાં.

જેમાં મહેન્દ્રસિંહની 19 વર્ષીય પુત્રી માનશીબા અને કુટુંબનાં 55 વર્ષીય કૈલાશબા સુખુભા જાડેજાને માથામાં ગંભીર ઈજાઓ થતાં બેભાન થઈ ગયાં હતાં. આ ઉપરાંત મીતલબા, પ્રિયંકાબા, રંજનબા, સાત વર્ષના સર્વદીપસિંહ અને બે વર્ષની માન્યતાબાને પણ ઈજાઓ પહોંચી હતી. જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં માનશીબા અને કૈલાશબાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઈકો કારચાલક કુલદીપસિંહને ઈજા થઈ ન હતી. આ બનાવમાં પુત્રી માનશીબાની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ પિતા મહેન્દ્રસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈકો કારચાલક કુલદીપસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તા. 11 નવેમ્બરના રોજ જામનગર નજીક મોડપર ગામ પાસે ટ્રકની અડફેટે મોટરસાઇકલ સવાર બે ભાઈઓને અકસ્માત નડ્યો હતો.

જેમાં 21 વર્ષીય રાહુલ જયેશભાઈ સામાણીનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના મોટાભાઈ હાર્દિકભાઈને સામાન્ય ઈજા થઈ હતી. જયંત કોલોનીમાં રહેતા હાર્દિકભાઈ જયેશભાઈ સામાણી (ઉ.વ. 27) અને તેમના નાના ભાઈ રાહુલ (ઉ.વ. 21) ગત તા. 11 નવેમ્બરના રોજ બપોરે મિત્રની મોટરસાઇકલ લઈને કાલાવડ તાલુકાના રણુજા મંદિરે દર્શન કરવા ગયાં હતાં. દર્શન કરીને જામનગર પરત ફરતી વખતે બપોરે સાડા ત્રણેક વાગ્યે મોડપર ગામ પાસે આગળ જતી કારને સાઇડમાંથી પસાર થવાનો પ્રયાસ કરતાં સામેથી પૂરઝડપે આવી રહેલા ટ્રક નં. જીજે-03-બીવાય-1385ના ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી.ટ્રકની ટક્કરથી બંને ભાઈઓ રસ્તા પર પટકાયા હતા.

જેમાં હાર્દિકભાઈને જમણા પડખે છોલ છાલની ઈજા થઈ હતી, જ્યારે રાહુલને માથા-કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બંનેને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે રાહુલને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે હાર્દિકભાઈ સામાણીએ પંચકોશી-એ પોલીસ મથકમાં ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ, બે દિવસમાં દર્શન કરીને પરત ફરી રહેલા બે પરિવારોને માર્ગ અકસ્માતની આફત નડી હતી અને ત્રણ વ્યક્તિના કરુણ મોતથી બે પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.