ગુજરાત

મનપાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિ

Published

on

ટીઆરપી દુર્ઘટના બાદ નિમણૂક થયેલ ડી.પી. દેસાઈની છ માસમાં જ બદલી

ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ તત્કાલીન કમિશનર આનંદ પટેલના સ્થાને દેવાંગ દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ તેમની કાર્યપદ્ધતિ અને તેઓએ બનાવેલા કડક નિયમોનો વિરોધ થયા બાદ તેઓ લાંબી રજા ઉપર ઉતરી ગયા હતાં. અને રાજકોટ કોર્પોરેશનમાં ફરી વખત કમિશનરનો ચાર્જ ન મળે તે માટે સરકારમાં રજૂઆત કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું ત્યારે જ સરકારે ગઈકાલે મહાનગરપાલિકાના 34માં કમિશનર તરીકે ભરૂચના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા તુષાર દલપતભાઈ સુમેરાની નિયુક્તિ કરી છે.

તેઓ સંભવત મંગળવાર સુધીમાં ચાર્જ સંભાળે તેવી શક્યતા જોવાઈ રહી છે.
મહાનગરપાલિકામાં કમિશનર તરીકે દેવાંગ દેસાઈની નિમણુંક થયા બાદ તેમના દ્વારા મોટાભાગના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ વિભાગોમાં બદલી કરી વહીવટી કામગીરીમાં પારદર્શકતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા અનેક નવા નિયમો લાગુ કરી તેમજ અગાઉ અમલમાં આવેલા નિયમો રદ કરતા ટાઉન પ્લાનીંગ વિભાગ સહિતના કામો ઠપ થઈ ગયા હતાં. અને બિલ્ડરો સહિતની હાલત કફોડી થઈ જતાં આ મુદ્દે સરકારમાં રજૂઆતો પણ થઈ હતી. છતાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ નિયમોની વળગી રહેવા માગતા હોય તેમની બદલી કરવા માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાની ચર્ચા જાગી હતી. ત્યારે જ ડી.પી. દેસાઈ લાંબી રજા ઉપર ઉતરી ગયા હતા અને મનપામાં કમિશનરના ઈન્ચાર્જ તરીકે નિમણુંક કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા હતાં. જેમાં ગઈકાલે સરકારે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્તિ જાહેર કરી હતી.

પડકારોનો પહાડ
રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે તેઓએ અનેક પડકારોનો સામનો કરવો પડશે જે પૈકી પોતાની અને અધિકારીઓની જવાબદારી ફીક્સ ન થાય તે રીતે નિયમ પાલન કરવા સાથે બાંધકામ પ્લાન, ફાયર એન.ઓ.સી.ની ફાઈલોનો નિકાલ ઝડપી કરવો, કાર્યબોજથી કંટાળીને અધિકારીઓના રાજીનામાનો દોર અટકાવીને સ્ટાફને કામ માટે પ્રેરિત કરવા અને ટીપરવાન કોન્ટ્રાક્ટ, ઉંચા ભાવે કામો આપવાની ચાલબાજી જેવા છુપા અને પ્રગટ કૌભાંડોને બ્રેક મારવી, લાંબા સમયથી અટકેલા વિકાસકામો આગળ વધારવા તથા બાંધકામ નિયમોનું પાલન કરવા સાથે અનધિકૃત બાંધકામોને હટાવવાની અટકાવી દેવાયેલી કામગીરી શરુ કરાવવી સહિતના પડકારો ઉભા છે ત્યારે તેમને ચાર્જ સંભાળ્યા બાદ તેમની કાર્યપદ્ધતિ પરથી વધુ જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version