કવાડના મંચ પર ટ્રમ્પ-મોદીનું મિલન: બન્ને દેશોના વેપાર કરારમાં હકારાત્મક સંકેત

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં એક જ મંચ પર જોવા મળ્યા હતા. બે વર્ષના લાંબા અંતરાલ બાદ…

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં એક જ મંચ પર જોવા મળ્યા હતા. બે વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઈ રહેલી ક્વોડ નેતાઓની આ શિખર બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા ચાર મોટા દેશો વૈશ્વિક અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. આ બેઠકમાં જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી રસપ્રદ બાબત એ છે કે ફિલિપાઇન્સ ક્વોડનું સભ્ય ન હોવા છતાં અહીં આ મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન થઈ રહ્યું છે.

સપ્ટેમ્બર 2024 બાદ ક્વોડ નેતાઓનું આ પ્રથમ સંમેલન છે અને ટ્રમ્પના સત્તા પર આવ્યા બાદ આ જૂથની પહેલી મોટી બેઠક છે. આ બેઠકના મુખ્ય એજન્ડામાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ વેપારી માર્ગોની સુરક્ષા, મહત્ત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇન જાળવી રાખવી અને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિનો સમાવેશ થાય છે. દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સ અને ચીન વચ્ચે ચાલી રહેલી લાંબી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે મનીલામાં ક્વોડ નેતાઓનું એકત્ર થવું એ ચીન માટે એક મોટો રાજદ્વારી સંદેશ માનવામાં આવી રહ્યો છે. એવી જ રીતે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર-સંબંધો તથા વેપાર કરાર મામલે લાંબા સમયથી ચાલતી ખેંચતાણ દુર કરવામાં મોદી-ટ્રમ્પની મુલાકાત મહત્વનો ભાગ ભજવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષી બેઠકનું આયોજન થવાની શકયતા ઓછી છે. આવતા મહીને અમેરિકાના ફલોરીડામાં જી-20 સંમેલન વખતે બન્ને નેતાઓનું મિલન નિર્ધારીત છે.

મનીલામાં ક્વોડ સંમેલન પૂર્ણ કર્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સીધા ચીનના શેનઝેન જવા રવાના થશે. ત્યાં 19 નવેમ્બરના રોજ ટ્રમ્પની ચીની પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પ્રથમ ત્રિપક્ષીય બેઠક પ્રસ્તાવિત છે. આ ત્રિપક્ષીય મુલાકાતમાં પરમાણુ હથિયારો પર નિયંત્રણ, વૈશ્વિક સુરક્ષા અને અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મહત્ત્વની ચર્ચા થવાની શક્યતા છે, જેના કારણે ટ્રમ્પની આ મુલાકાત અગાઉની ક્વોડ બેઠકનું મહત્ત્વ વધુ વધી ગયું છે.