માઇક્રોસોફ્ટ બાદ હવે જેપી મોર્ગન ચેઝમાં ખામી: અમેરિકામાં કરોડોના બેંકિંગ વ્યવહાર ખોરવાઇ ગયા

અમેરિકાની સૌથી મોટી બેન્કો પૈકીની એક JPMorgan Chaseમાં સોમવારે આવેલી એક ટેકનિકલ ખામીને કારણે સમગ્ર અમેરિકાની બેન્કિંગ અને નાણાકીય સેવાઓ પર મોટી અસર પડી હતી.…

અમેરિકાની સૌથી મોટી બેન્કો પૈકીની એક JPMorgan Chaseમાં સોમવારે આવેલી એક ટેકનિકલ ખામીને કારણે સમગ્ર અમેરિકાની બેન્કિંગ અને નાણાકીય સેવાઓ પર મોટી અસર પડી હતી. આ ખામીને કારણે હજારો ગ્રાહકોને પોતાના બેન્ક ખાતા એક્સેસ કરવામાં, બેલેન્સ તપાસવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ અસર માત્ર ચેઝ બેન્ક પૂરતી સીમિત ન રહેતા બેન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો, યુએસ બેન્ક અને ટ્રુઇસ્ટ જેવી અન્ય મોટી બેન્કો તેમજ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ઝેલે પર પણ જોવા મળી હતી.

સંપત્તિની દ્રષ્ટિએ અમેરિકાની સૌથી મોટી બેન્ક ચેઝએ સ્પષ્ટતા કરી હતી કે આ વિક્ષેપ તેની ઇન્ટરનલ હાર્ડવેર સિસ્ટમમાં આવેલા એક સોફ્ટવેર બગને કારણે સર્જાયો હતો. બેન્કે કોઈપણ પ્રકારના સાયબર હુમલાની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢતા જણાવ્યું હતું કે આ ઘટના સાયબર સંબંધિત હોવાના કોઈ પુરાવા નથી. બેન્કના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ગ્રાહકો તેમના ખાતા અને નાણાંનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ અમુક વ્યવહારો પૂરા થવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી રહ્યો હતો. આ સમસ્યા માત્ર ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ ચેઝની ઘણી શાખાઓ પર પણ ગ્રાહકોને પૈસા જમા કરાવવા અને ઉપાડવામાં મુશ્કેલી પડી હતી.

આઉટેજ ટ્રેક કરતી વેબસાઈટ ડાઉનડિટેક્ટર પર બપોરે 1:30 વાગ્યાની આસપાસ ચેઝ બેન્ક અંગે લગભગ 4,500 ફરિયાદો નોંધાઈ હતી, જે 2:22 વાગ્યા સુધીમાં વધીને 20,000ને પાર કરી ગઈ હતી. ચેઝ ઉપરાંત વેલ્સ ફાર્ગોએ પણ પોતાની વેબસાઈટ પર ટેકનિકલ સમસ્યાની જાણકારી આપી ગ્રાહકોને એટીએમ અને ટેલિફોન બેન્કિંગનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.