જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી ગામ નજીક મચ્છી માર્કેટ પાસે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા. જામનગર તરફથી મોટી ખાવડી તરફ આવી રહેલી બજાજ મેક્સિમા સીએનજી રિક્ષાને મહિન્દ્રા બોલેરો પિકઅપના ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી સાઈડમાંથી ટક્કર મારતાં રિક્ષા કાબૂ બહાર જઈ સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા બિહારના રાહુલકુમાર મિથિલેશ ઠાકુર (ઉંમર 33)ને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સાથે બેઠેલા પોનો ઉર્ફે ધીનો કિશન હેમ્બ્રમ (ઉંમર 28)ને ગંભીર ઈજાઓ થતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. ફરિયાદી રોશનકુમાર ઠાકુરના જણાવ્યા મુજબ તેમના ભાઈ રાહુલકુમાર છેલ્લા આશરે પાંચ મહિનાથી મોટી ખાવડી ખાતે ખાનગી કંપનીમાં કામ કરતા હતા. અકસ્માતની જાણ થતાં ફરિયાદી સુરતથી જામનગર આવી પહોંચ્યા હતા. અકસ્માત સમયે રાહુલકુમાર સહિત ચાર વ્યક્તિઓ બજાજ મેક્સિમા સીએનજી રિક્ષા નં. જીજે-10-ટી-ઝેડ-1167માં મુસાફરી કરી રહ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ મોટી ખાવડી મચ્છી માર્કેટ નજીક રિક્ષા પહોંચી ત્યારે મહિન્દ્રા પિકઅપ નં. જીજે-14-ઝેડ-7224ના ચાલકે રિક્ષાને સાઈડમાંથી ટક્કર મારતાં રિક્ષા ચાલક કરણ માતંગે કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા સામેથી આવતા ટ્રક નં. જીજે-25-4-9180 સાથે અથડાઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક કરણ માતંગને પગમાં ઈજા થઈ હતી, જ્યારે તુરી પુર્તિને માથા તથા પગના ભાગે ઈજાઓ થઈ હતી. બંને સહિત ઘાયલોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક રાહુલકુમારના અંતિમ સંસ્કાર માટે મૃતદેહનો કબજો મેળવવા પરિવારજનો પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
