જૂનાગઢમાં પામતેલ અને મિલ્ક પાવડરથી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ

ગુજરાતમાં દિન-પ્રતિદિન નકલી ખાદ્ય પદાર્થો અને ભેળસેળના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ઘી, માવો, મરી-મસાલા અને પનીર બાદ હવે લોકોના રોજિંદા જીવન સાથે સીધા…

ગુજરાતમાં દિન-પ્રતિદિન નકલી ખાદ્ય પદાર્થો અને ભેળસેળના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ઘી, માવો, મરી-મસાલા અને પનીર બાદ હવે લોકોના રોજિંદા જીવન સાથે સીધા જોડાયેલા દૂધમાં પણ ભેળસેળ કરી કાળી કમાણી કરવાનો ખેલ શરૂૂ થયો છે. વ્યાપારી નફાખોરી માટે લોકોના આરોગ્ય અને માનવ સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં પણ નકલી ખાદ્યસામગ્રી પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે જૂનાગઢ તાલુકા પોલીસે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક ગણાતા ભેળસેળવાળા દૂધ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરીને એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે.

જૂનાગઢ તાલુકાના ખડીયા ગામના હનુમાનપરા વિસ્તારમાં રહેતો જયદીપ હરસુખભાઈ ભેડા પોતાના રહેણાંક મકાનમાં જ કેમિકલયુક્ત નકલી દૂધ બનાવી તેનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે તુરંત જ હનુમાનપરા સ્થિત રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી માનવ શરીર માટે ભારે નુકસાનકારક એવું તૈયાર કરેલું આશરે 60 લીટર જેટલું નકલી દૂધ મળી આવ્યું હતું. આ સિવાય બનાવટમાં વપરાતા પામોલીન તેલના 3 ડબ્બા તેમજ દૂધ બનાવવાનો મિલ્ક પાવડરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે જૂનાગઢ ફૂડ સેફ્ટી વિભાગ ઘોર નિંદ્રામાં સુતો રહ્યો હતો અને તાલુકા પોલીસે આગળ આવીને આ નકલી દૂધનું રેકેટ ઝડપી પાડ્યું હતું.

ખડીયામાંથી નકલી દૂધ અને તેને બનાવવાની સામગ્રી પકડાયા બાદ પોલીસે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જૂનાગઢના ફૂડ સેફ્ટી ઓફિસરને ટેલિફોનિક તથા લેખિત જાણ કરી હતી. જાણ થતાં ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેમણે નકલી દૂધ, પામોલીન તેલ તેમજ મિલ્ક પાવડરના સેમ્પલ મેળવી લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલ્યા હતા. સ્થળ પર મળી આવેલા ભેળસેળવાળા દૂધના જથ્થાનો નાશ કરાયો હતો અને બાકીની સામગ્રી સીલ કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.