9 નવી મહાપાલિકાઓમાં જૂની 6 મનપાની સરખામણીએ જબરદસ્ત મતદાન

વાપીમાં સૌથી વધુ 72% મતદાન, શહેરી મતદારોની ઉદાસીનતા જૂના શહેરોમાં યથાવત: નવી મનપાના મતદારોએ લોકશાહીના પર્વમાં દાખવ્યો ભારે ઉત્સાહ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓના આંકડા એક…

વાપીમાં સૌથી વધુ 72% મતદાન, શહેરી મતદારોની ઉદાસીનતા જૂના શહેરોમાં યથાવત: નવી મનપાના મતદારોએ લોકશાહીના પર્વમાં દાખવ્યો ભારે ઉત્સાહ

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓના આંકડા એક ચોંકાવનારી પણ પ્રોત્સાહક વિગત બહાર લાવ્યા છે. રાજ્યની વર્ષો જૂની અને સ્થાપિત 6 મહાનગરપાલિકાઓ કરતા નવી બનેલી 9 મહાનગરપાલિકાઓમાં મતદાનની ટકાવારી નોંધપાત્ર રીતે ઊંચી રહી છે. જ્યાં મોટા ગજાના શહેરોમાં મતદારોની ઉદાસીનતા ચર્ચાનો વિષય બની છે, ત્યાં નાના અને નવનિર્મિત કોર્પોરેશન વિસ્તારોમાં લોકોએ લોકશાહીના પર્વને ઉમળકાભેર વધાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યની 9 નવી મહાનગરપાલિકાઓ (વાપી, મોરબી, નવસારી, મહેસાણા, નડીયાદ, કરમસદ-આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર અને ગાંધીધામ) માં સરેરાશ 60.23% મતદાન નોંધાયું છે. તેની સામે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર જેવી 6 મુખ્ય જૂની મહાનગરપાલિકાઓમાં સરેરાશ મતદાન માત્ર 54.82% જ રહ્યું છે. આમ, નવી મનપામાં જૂની મનપા કરતા અંદાજે 5.41% વધુ મતદાન થયું છે.

નવી મહાનગરપાલિકાઓમાં દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ’વાપી’ એ બાજી મારી છે. વાપીમાં સૌથી વધુ 72.29% મતદાન નોંધાયું છે, જે સમગ્ર રાજ્યમાં એક આદર્શ સમાન છે. મોરબી (65.65%) અને નવસારી (65.28%) પણ મતદાનની બાબતમાં મોખરે રહ્યા છે. જોકે, ગાંધીધામ (46.03%) અને પોરબંદર (48.84%) માં મતદાન 50% થી ઓછું રહ્યું છે, જે ચિંતાજનક છે.

બીજી તરફ, રાજ્યના આર્થિક પાટનગર ગણાતા સુરતમાં સૌથી વધુ 59.21% મતદાન થયું છે, પરંતુ અમદાવાદ (51.81%) અને રાજકોટ (51.59%) જેવા મોટા શહેરોમાં માંડ 50 ટકાનો આંકડો પાર થયો છે. વડોદરામાં પણ 53.34% મતદાન સાથે મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી.

રાજકીય વિશ્ર્લેષકોના મતે, નવી બનેલી મહાનગરપાલિકાઓમાં લોકોમાં વિકાસની નવી આશાઓ અને સ્થાનિક પ્રશ્નો પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળી રહી છે. નાના ભૌગોલિક વિસ્તારને કારણે ઉમેદવારોનો મતદારો સાથેનો સંપર્ક સીધો અને અસરકારક રહ્યો છે. જ્યારે મોટા શહેરોમાં ’શહેરી ઉદાસીનતા’ એક મોટું કારણ છે, જ્યાં શિક્ષિત વર્ગ રજાના દિવસે મતદાન કરવાને બદલે ઘરે રહેવાનું પસંદ કરે છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે લોકશાહીને મજબૂત કરવા માટે હવે મોટા શહેરોના મતદારોએ જાગૃત થવાની જરૂૂર છે, જ્યારે નાના શહેરોએ મતદાનમાં મોખરે રહીને નવો ચીલો ચાતર્યો છે.