ખંભાળિયા નજીક ટ્રાવેલ્સ ટેમ્પોની પલટી: એક ડઝન જેટલા મુસાફરો ઘવાયા

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર આજે વહેલી સવારે એક પરપ્રાંતિય ટેમ્પો ટ્રાવેલ્સ રોડ નીચે પલટી ખાઈ જતા તેમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.…

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર આજે વહેલી સવારે એક પરપ્રાંતિય ટેમ્પો ટ્રાવેલ્સ રોડ નીચે પલટી ખાઈ જતા તેમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.

આ બનાવની સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર જાખર ગામના પાટીયા પાસેથી આજરોજ સવારે આશરે 6 વાગ્યાના સમયે પસાર થઈ રહેલું ડી.ડી. 01 એક્સ 9021 નંબરનું ટેમ્પો ટ્રાવેલ્સ વાહન કોઈ કારણોસર રોડની નીચે ઉતરી, પલટી ખાઈ ગયું હતું.

આ વાહનમાં જઈ રહેલા આશરે 12 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યાત્રાળુઓ સાથેનો આ ટેમ્પો ટ્રાવેલ્સ અમદાવાદથી દ્વારકા તરફ જઈ રહ્યું હોવાનું જાહેર થયું છે. અકસ્માત બાદ ટેમ્પોમાં રહેલો સામાન ફાયર સ્ટાફ દ્વારા કાઢીને યાત્રાળુ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ફાયર ટીમ અને 108 ની તાત્કાલિક કામગીરીથી સદભાગ્યે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.