શક્તિ, ભક્તિ અને આસ્થાના પાવન પર્વ નવરાત્રિની આઠમના દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. અષ્ટમીના પાવન અવસરે યોજાયેલા નવચંડી યજ્ઞમાં હજારો માઈભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સાંજે યજ્ઞવિધિ પૂર્ણાહુતિના ભાગરૂૂપે બીડું હોમવાના સમયે માતાજીના જયઘોષથી સમગ્ર ડુંગર ગુંજી ઉઠ્યો હતો. નવરાત્રિના આઠમા નોરતે માતાજીના વિશેષ અષ્ટમી સ્વરૂૂપનાં દર્શન કરવા માટે ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ચોટીલા ઉમટી પડ્યા હતા. રવિવારની રજાનો દિવસ અને અષ્ટમીના વિશેષ ધાર્મિક મહાત્મ્યને કારણે ડુંગર પર વહેલી સવારથી જ માઈભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી.
અનેક ભાવિકો મધરાતથી જ ચોટીલા આવી પહોંચ્યા હતા. મધરાતે ડુંગરનાં પગથિયાંના પ્રવેશદ્વાર ખોલવામાં આવતાં માતાજીનાં દર્શન માટે ભક્તોની અવરજવર શરૂૂ થઈ હતી અને જયઘોષથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયો હતો. ચામુંડા માતાજીના લાખો શ્રદ્ધાળુઓ માટે અષ્ટમીના નવચંડી યજ્ઞનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. આ પ્રસંગે ડુંગર પર મહંત પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સવારે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે સાંજના સમયે ધાર્મિક પરંપરા અનુસાર બીડું હોમવામાં આવ્યું હતું.
આ પાવન ક્ષણે ઉપસ્થિત ભાવિકોએ માતાજીના જયઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. યજ્ઞના દર્શન અને ધાર્મિક વિધિમાં સહભાગી બની માઈભક્તોએ ધન્યતા અનુભવી હતી. અષ્ટમીના નવચંડી યજ્ઞ અને બીડું હોમવાના પાવન પ્રસંગે ઉમટેલી ભાવિકોની ભીડે ચોટીલા ચામુંડા માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને આસ્થાને વધુ એક વખત ઉજાગર કરી હતી. જયઘોષ, ધાર્મિક વિધિઓ અને માતાજીનાં દર્શન સાથે આઠમના પાવન દિવસની ઉજવણી ભક્તો માટે યાદગાર બની રહી હતી.
