ગુજરાત

5 વર્ષથી એક જ ઝોનમાં ફરજ બજાવતાં PI-PSIની બદલી ફરજિયાત

Published

on

નજીકના જિલ્લા-રેન્જમાં પણ નહીં મૂકી શકાય, માનીતા પોલીસ અધિકારીઓની ‘ગોઠવણ’ ઉપર બ્રેક મારતું ગૃહ વિભાગ, બદલીના નવા નિયમો જાહેર

પતિ-પત્નીના કેસ, ગંભીર બીમારી અને નજીકમાં નિવૃત્તિના કિસ્સાઓમાં મેરિટના ધોરણે અપાશે છૂટછાટ

ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં બદલીઓને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાંચ વર્ષથી એક જ જગ્યા એટલે કે એક જ ઝોનમાં ફરજ બજાવતાં પીઆઈ અને પીએસઆઈની ફરજિયાત બદલી કરવામાં આવશે. ગૃહ વિભાગનાં આ નિર્ણયને કારણે હવે બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને ગઈકાલે જ પીઆઈની બઢતી મેળવનાર 233 પીઆઈને હવે તેમના મનપસંદ સ્થળે પોસ્ટીંગના બદલે તેમના ઝોનની બહાર ફરજિયાત બદલી કરવામાં આવશે. જો કે ગૃહ વિભાગ દ્વારા પતિ પત્નીના કેસ અને ગંભીર બિમારી કે પછી નિવૃત્તીનો સમય ગાળો નજીકનો હોય તેવા કેસમાં થોડી છુટછાટ આપવામાં આવી છે.


પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને પારદર્શકતા લાવવા માટે ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં બિનહથિયારી પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયામાં તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા તેમજ મુખ્ય પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક મળી હતી અને આ બેઠકમાં ચર્ચા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે પાંચ વર્ષ સુધી એક ઝોનમાં ફરજ બજાવનાર પીએસઆઈ, પીઆઈને તે ઝોનના જિલ્લા કે નજીકનાં જિલ્લામાં બદલી કરી શકાશે નહીં. એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ કે પછી તુટક તુટક નોકરી કરી હોય તો તેવા પીએસઆઈ અને પીઆઈની બદલી નજીકના જિલ્લા કે એકમમાં કરી શકાશે નહીં. પાંચ વર્ષની ફરજનો સમયગાળાની ગણતરી કરવા માટે પોલીસ સ્ટેશન કે પછી બ્રાંચમાં થયેલી નિમણુંકને પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે.


ગૃહ વિભાગનાં આ નિર્ણયને કારણે પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી એવી માનસિકતા છે કે પોંતાના માનિતા પોલીસ અધિકારીઓની ગોઠવણથી તેમના અંગત પીએસઆઈ કે પીઆઈને તેમના બદલીના સ્થાને મુકવામાં આવે છે. જો કે હવે પોલીસ અધિકારીઓની આ ” ગોઠવણ” ઉપર પણ ગૃહ વિભાગે બ્રેક મારી દઈને બદલીના નવા નિયમો જાહેર કર્યા છે. જો કે પોલીસ વિભાગમાં ફરજ બજ્વતાં દંપતિ કે ગંભીર બિમારીની બાબત કે પછી નજીકના નિવૃત્તિના કિસ્સામાં મેરીટના ધોરણે છુટછાટ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version