ગુજરાત
રાજકોટ જિલ્લાના 7 મામલતદાર, બે નાયબ કલેક્ટરની બદલી
દક્ષિણના જે.વી.કાકડિયા અને ડિઝાસ્ટરના એચ.એલ.ચૌહાણને ડે.કલેક્ટરના પ્રમોશન: લોધિકા-ધોરાજી-રાજકોટ દક્ષિણ અને ડિઝાસ્ટર મામલતદારની જગ્યા ખાલી, હજુ બદલીઓ આવશે
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યોની ચુંટણીઓની તૈયારી રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે. ગઇકાલે સાંજે ગાંધીનગરથી રાજ્યભરના મામલતદારો, ડેપ્યુટ કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ, જિલ્લા ચુંટણી અધિકારઓ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. આ બદલીના ઘાણવામાં રાજકોટ જિલ્લાના સાત મામલતદાર અને બે નાયબ કલેક્ટરની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ દક્ષિણના મામલતદાર અને ડિઝાસ્ટર સેલના મામલતદારને ડેપ્યુટી કલેક્ટરના પ્રમોશન આપવામાં આવ્યા છે.આ બદલીથી રાજકોટના લોધીકા, ધોરાજી અને રાજકોટ દક્ષિણના મામલતદારની જગ્યાઓ ખાલી પડી છે.
ગઇકાલે રાત્રે રાજ્ય સરકારને મહેસુલ વિભાગના ઉપસચિવ (સેવા) પુજા ઉપાધ્યાયે ગુજરાત વહિવટી સેવા (જુનિયર સ્કેલ) ક્લાસ-1ના 79 અધિકારીઓની બદલી, મામલતદાર વર્ગ-2 (સંવર્ગ)ના 44 અધિકારીઓને વર્ગ-1 (જુનિયર સ્કેલ)નું પ્રમોશન, વર્ગ-2 (સંવર્ગ)ના 86 મામલતદારોની બદલી અને વર્ગ-3 (સંવર્ગ)ના 108 મામલતદારોને વર્ગ-2 (સંવર્ગ)નું પ્રમોશન આપતું લીસ્ટ બહાર પાડ્યું હતું. આ યાદીમાં રાજકોટ જિલ્લાના પડધરીના મામલતદાર કૃષ્ણકુમારસિંહ ચુડાસમાની ધારી મામલતદાર તરીકે બદલી કરી તેની જગ્યાએ કેતન સખીયાને મુકવામાં આવ્યા છે. જામકંડોરણાના મામલતાદર કે.બી.સાંગાણીની લીલીયા મામલતદાર તરીકે બદલી કરી તેની જગ્યાએ સ્ટેેચ્યુ ઓફ યુનિટી ખાતેથી ભીખાભાઇ કોટકપરાને, રાજકોટ પશ્ર્ચિમના મામલતદાર મહેશ ડી.શુકલની માણવદર ખાતે બદલી કરી તેની જગ્યાએ અજીત જોષીને અને ઉપલેટાના મામલતદાર એમ.ટી.ધનવાણીને મોરબી ગ્રામ્યમાં બદલી કરીને તેની જગ્યાએ પુલીન ઠાકરને મુકવામાં આવ્યા છે.
લોધીકાના મામલતદાર દીનેશકુમાર ભાડની ગાંધીનગર એટીવીટી ખાતે અને ધોરાજીના મામલતદાર અલ્પેશ જોષીની વડોદરા પશ્ર્ચિમ (શહેર)ખાતે બદલી કરવામાં આવતા આ બન્ને જગ્યાો ખાલી પડી છે. આ ઉપરાંત રાજકોટ દક્ષિણના મામલતદાર જે.વી.કાકડીયાને મોરબી જિલ્લા પુરવઠા અધિકારી અને ડિઝાસ્ટર સેલના મામલતદાર એચ.એલ. ચૌહાણને દ્વારકાધિશ દેવ સ્થાન ટ્રસ્ટના એડમીનીસ્ટ્રેટર તરીકે બઢતી આપતા આ બન્ને જગ્યાઓ પણ ખાલી પડી છે.
ક્લાસ-1ના જુનિયર સ્કેલના બે નાયબ કલેક્ટરની બદલી કરવામાં આવી છે. જેમાં ધોરાજીના પ્રાંત ઓફીસર જયસુખ લીખીયાની રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનરના ડેપ્યુટી કલેક્ટર અને સ્ટેમ્પ ડેયુટીના કલેક્ટર રાજકોટ ગ્રામ્ય ક્રિષ્નાબેન પટેલની ડેપ્યુટી કલેક્ટર-2 રાજપીપળા તરીકે બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત ચુંટણી મામલતદાર રાજકોટ જિલ્લા તરીકે કેતન ચાવડા, પીઆરઓ રાજકોટ જિલ્લા તરીકે નીખીલ મહેતા અને જમીન અધિગ્રહણ રાજકોટના મુખ્ય અધિકારીની ઓફીસમાં મામલતદાર તરીકે કુમારી જે.ડી.જાડેજાને મુકવામાં આવ્યા છે.