રાજકોટ જિલ્લાની 115 નાયબ મામલતદારોની બદલી

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા નવા વર્ષના પ્રારંભ સાથે જ મોટાપાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદાર સંવર્ગના એકસાથે…

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા નવા વર્ષના પ્રારંભ સાથે જ મોટાપાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદાર સંવર્ગના એકસાથે 115 કર્મચારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. એક જ સ્થળે લાંબા સમયથી, ખાસ કરીને ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

આ બદલીમાં માત્ર તાલુકા કક્ષાના કર્મચારીઓ જ નહીં, પરંતુ જિલ્લા કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓ, મહેસૂલ વિભાગ, ચૂંટણી શાખા, પુરવઠા વિભાગ, ઇ-ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જમીન સંપાદન સહિતની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.બદલીના હુકમ મુજબ વિવિધ કર્મચારીઓને એક કચેરીમાંથી બીજી કચેરીમાં મૂકવામાં આવ્યા છે.

કેટલાક કર્મચારીઓને જિલ્લા કક્ષાની કચેરીઓમાંથી તાલુકા કક્ષાએ જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને તાલુકા કચેરીઓમાંથી જિલ્લા કક્ષાની વિવિધ શાખાઓમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત રાજકોટ શહેરની પૂર્વ-દક્ષિણ મામલતદાર કચેરીઓ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ, વિંછીયા, પડધરી અને લોધિકા સહિતની કચેરીઓમાં પણ કર્મચારીઓની અદલાબદલી કરવામાં આવી છે. દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ તાત્કાલિક અસરથી આટલી મોટી સંખ્યામાં બદલીઓ કરવામાં આવતાં મહેસૂલી વિભાગના કર્મચારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓમાં થયેલા ફેરફારને કારણે આગામી દિવસોમાં વહીવટી કામગીરીની નવી ગોઠવણ જોવા મળશે. કલેક્ટર કચેરીમાં બિનખેતી શાખામાં ફરજ બજાવતા મકેશ રાઠોડને પુરવઠા વિભાગના ઝોનલ ઓફિસર બનાવાયા છે. જ્યારે તેના સ્થાને પુરવઠા નિરીક્ષક અરવિંદ એલ.કુગશીયાને મુકવામાં આવ્યા છે. ખાસ કરીને પુરવઠા વિભાગ, મોટાભાગના સર્કલ ઓફિસર સહિતના સ્ટાફની બદલી કરવામાં આવી છે.