Site icon Gujarat Mirror

કાર અકસ્માતની નુકસાનીના રૂપિયા 3.50 લાખની ઉઘરાણીમાં ટ્રાફિક વોર્ડનનું અપહરણ, બેફામ માર માર્યો

oplus_32

સ્પીડવેલ ચોકથી ઢેબર રોડ નાગરિક બેંકની સામે પાર્કિંગમાં અડધો કલાક સુધી માર મારતાં મોઢુ સોજી ગયું

રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતાં ટ્રાફીક વોર્ડનનું સ્પીડવેલ ચોક પાસેથી અપહરણ કરી ઢેબર રોડ પર આવેલી નાગરિક બેંક સામે પાર્કીંગમાં લઈ જઈ દસેક શખ્સોએ અડધો કલાક સુધી બેફામ માર મારતાં યુવાન ઘવાયો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે ટ્રાફીક વોર્ડનનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા વીર હનુમાનજી ટાઉનશીપ પાસે રહેતાં ધ્રુવીલ મુકેશભાઈ વિષ્ણુસ્વામી (ઉ.23) ગઈકાલે રાત્રીનાં 11 વાગ્યે સ્પીડવેલ ચોક પાસે હતો ત્યારે હુડકો ચોકડી પાસે રહેતાં જીત અગ્રાવત અને તેમની સાથેના શખ્સોએ બાઈકમાં બેસાડી ઢેબર રોડ પર આવેલા નાગરિક બેંક સામે પાર્કીંગમાં લઈ જઈ 10 જેટલા શખ્સોએ બેફામ માર મારતાં ધ્રુવીલને માથે, મોંઢે અને આંખ પાસે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતાં તેઓ પણ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને ઘવાયેલા ધ્રુવીલનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.

ધ્રુવીલે જણાવ્યું હતું કે પોતે સેકટર-3માં ટ્રાફીક વોર્ડન તરીકે ફરજ બજાવે છે અને તેમણે હુડકો ચોકડી પાસે રહેતાં જીત અગ્રાવત પાસેથી સ્વીફટ કાર ભાડે લીધી હતી ત્યારે ખોડીયાર હોટલથી પોતાના ઘરે જતો હતો ત્યારે કાર પલ્ટી ખાઈ જતાં આ કારમાં સાડા ત્રણ લાખ જેટલી નુકસાની આવી હતી. જે રૂપિયા જીતને આપવાના હતાં. આ રૂપિયાની ઉઘરાણી જીતે કરતાં ધ્રુવીલે તેને હાલ રૂપિયા નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા જીત અને તેમની સાથેના શખ્સોએ ધ્રુવીલનું સ્પીડવેલ ચોક પાસેથી અપહરણ કરી બેફામ માર માર્યો હતો. આ ઘટનાને પગલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટાફે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

Exit mobile version