ગિરનાર પરિક્રમામાં પરંપરા વિસરાઈ; આસ્થા ઓછી, ઝાકઝમાળ વધુ

જૂનાગઢ, ગિરનારની લીલી પરિક્રમા એટલે આસ્થા, શ્રદ્ધા અને પ્રકૃતિના ખોળે આત્મિક શાંતિનો અનોખો સંગમ. પરંતુ હવે આ ધાર્મિક યાત્રા ધીમે ધીમે ઝાકઝમાળ અને દેખાડાના મેળામાં…

જૂનાગઢ, ગિરનારની લીલી પરિક્રમા એટલે આસ્થા, શ્રદ્ધા અને પ્રકૃતિના ખોળે આત્મિક શાંતિનો અનોખો સંગમ. પરંતુ હવે આ ધાર્મિક યાત્રા ધીમે ધીમે ઝાકઝમાળ અને દેખાડાના મેળામાં ફેરવાઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિક્રમાર્થીઓની સુવિધાના નામે ગિરનારના જંગલમાં અંદાજે 50 લાખ રૂૂપિયાના ખર્ચે જે રીતે કૃત્રિમ અજવાળું પાથરવામાં આવ્યું છે તેનાથી વન્યજીવોના કુદરતી આવાસ અને જંગલની નિરવતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. યાત્રિકોની સુવિધા આવકાર્ય છે, પરંતુ જેના ઘરમાં આપણે મહેમાન બનીને જઈએ છીએ તે સિંહ, દીપડા અને અન્ય અબોલ વન્યજીવોની શાંતિ હણાય તે ક્યાં સુધી યોગ્ય છે?

ગિરનાર અભયારણ્ય સિંહો માટેનું મહત્ત્વનું રહેઠાણ છે. અહીં સિંહો, દીપડા સહિત અનેક વન્યપ્રાણીઓનો કુદરતી વસવાટ છે. આશરે 36 કિલોમીટર લાંબો પરિક્રમા માર્ગ આ જંગલમાંથી પસાર થાય છે. એક સમયે શ્રદ્ધાળુઓ હાથમાં ટોર્ચ કે ફાનસ લઈને કુદરતના સાંનિધ્યમાં પરિક્રમા કરતા હતા, પરંતુ હવે સુવિધાના નામે જંગલમાં લાઈટો અને જનરેટરોનો અતિરેક જોવા મળી રહ્યો છે. મળતી વિગતો મુજબ, વર્ષ 2024માં પરિક્રમા માર્ગ પર આશરે 600 લાઈટ અને 10 જનરેટરની વ્યવસ્થા હતી, જે પાછળ અંદાજે 15 લાખ રૂૂપિયાનો ખર્ચ થયો હતો. તેની સામે હાલ લાઈટોની સંખ્યા વધારીને આશરે 1600 કરવામાં આવી છે અને 25થી વધુ જનરેટર ગોઠવવામાં આવ્યા છે. આ વ્યવસ્થા પાછળનો ખર્ચ 50 લાખ રૂૂપિયાને પાર જવાની શક્યતા છે. જંગલના અત્યંત સંવેદનશીલ ગણાતા માળવેલા અને નળપાણીની ઘોડી જેવા વિસ્તારોમાં પણ દિવસ જેવો કૃત્રિમ પ્રકાશ પાથરી દેવામાં આવ્યો છે.

જંગલની રાત્રિની નિરવતા અને કુદરતી અંધકાર વન્યજીવોના જીવનચક્રનો મહત્ત્વનો ભાગ છે. વન્યજીવ નિષ્ણાતો અને પર્યાવરણપ્રેમીઓના મતે, રાત્રિના સમયે વિચરતા સિંહ, દીપડા અને અન્ય નિશાચર પ્રાણીઓ માટે સતત રહેતો કૃત્રિમ પ્રકાશ તેમની કુદરતી જીવનશૈલીમાં ખલેલ પહોંચાડી શકે છે.

શિકાર, વિચરણ અને આરામની તેમની સ્વાભાવિક પ્રવૃત્તિઓ પર તેની વિપરીત અસર થવાની ભીતિ છે. બીજી તરફ 25થી વધુ જનરેટરોનો સતત ઘોંઘાટ અને ધુમાડો પણ જંગલના પર્યાવરણ માટે ચિંતાજનક છે. વન્યજીવો પોતાના કુદરતી આવાસથી દૂર જવા મજબૂર બને તો ભવિષ્યમાં માનવ-વન્યજીવ સંઘર્ષનું જોખમ પણ વધી શકે છે.

વનવિભાગ સામે પણ ઉઠતા અનેક સવાલ
આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ વન વિભાગની ભૂમિકા સામે ઊભો થયો છે. વન્યજીવોના સંરક્ષણની જવાબદારી જે વિભાગના શિરે છે, તે જંગલના સંવેદનશીલ વિસ્તારોમાં આટલી મોટી સંખ્યામાં લાઈટો અને જનરેટર ગોઠવવાની મંજૂરી કેવી રીતે આપે છે? સુવિધાના નામે થઈ રહેલા આટલા મોટા અતિરેક સામે વનતંત્રએ નિયંત્રણ કેમ ન મૂક્યું? જંગલના રક્ષક ગણાતું તંત્ર મૂકપ્રેક્ષક બનીને કેમ રહ્યું છે? તેવા સવાલો પર્યાવરણપ્રેમીઓમાં ઉઠી રહ્યા છે. વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણવિદોની માંગ છે કે ગિરનારની લીલી પરિક્રમાને પિકનિક કે કોમર્શિયલ ઇવેન્ટ જેવો માહોલ આપવાને બદલે તેની ધાર્મિક અને પ્રાકૃતિક ઓળખ જાળવવામાં આવે. જંગલના સંવેદનશીલ વિસ્તારોમાં કૃત્રિમ પ્રકાશ, જનરેટરના અવાજ અને ધુમાડા પર તાત્કાલિક નિયંત્રણ લાવવામાં આવે, જેથી વન્યજીવો પોતાના જ ઘરમાં નિર્ભયતાથી વિચરી શકે. યાત્રિકોની સુવિધા અને વન્યજીવોનું સંરક્ષણ બંને વચ્ચે સંતુલન જાળવવું જરૂૂરી છે.