વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા

રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…

રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો!

શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વેપારીને તેના મિત્રના વોટ્સએપ નંબર પરથી આવેલી એક લિંક ભારે પડી છે.શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે રહેતા અને સર્જીકલ વસ્તુઓનો વ્યવસાય કરતા 28 વર્ષીય તીર્થ ગીરીશભાઈ દેસાઈ સાથે આરટીઓ લિંક પરથી ₹4.56 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ ઘટનાની વિગત મુજબ, ગત 1 ફેબ્રુઆરીના રોજ ફરિયાદીના મોબાઈલ પર તેમના મિત્ર ભરતભાઈના વોટ્સએપ નંબર પરથી ’છઝઘ ઊ-ઈઇંઅકઅગ.ફાસ’ નામની એક એપ્લીકેશન ફાઈલ આવી હતી. ફરિયાદીના ફોનમાં મીડિયા ઓટો-ડાઉનલોડ મોડ ચાલુ હોવાથી આ ફાઈલ આપમેળે ઇન્સ્ટોલ થઈ ગઈ હતી,જે હકીકતમાં એક માલવેર હતું. આ એપ્લીકેશન દ્વારા અજાણ્યા સાયબર ગઠિયાઓએ તીર્થભાઈના મોબાઈલ ફોનનો બિન-અધિકૃત એક્સેસ મેળવી લીધો હતો અને તેમનો ફોન હેક કર્યો હતો. ફોન હેક થયા બાદ તીર્થભાઈની જાણ બહાર તેમના કેનેરા બેંકના એકાઉન્ટમાંથી ઈન્ટરનેટના માધ્યમથી નાણાં ટ્રાન્સફર થવાનું શરૂૂ થયું હતું.

તાજેતરમાં જ્યારે ફરિયાદીના ખાતામાંથી મ્યુચ્યુઅલ ફંડનો હપ્તો કપાયો ત્યારે બેલેન્સ ઓછું જણાતા તેમણે બેંકમાં જઈ તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તારીખ 1 ફેબ્રુઆરી 2026ના રોજ બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹4,56,126 કપટપૂર્વક ઉપાડી લેવામાં આવ્યા હતા, જેમાં એક ટ્રાન્ઝેક્શન 3,26,141, બીજું 1,29,985નું હતું. આ મામલે તીર્થભાઈએ અગાઉ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર અરજી કરી હતી, જેની પ્રાથમિક તપાસ બાદ હવે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને આઈટી એક્ટની કલમ 66 તથા 66(સી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત યશવંતભાઇ મહાલે આ કેસની તપાસ ચલાવી રહ્યા છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે અજાણ્યા નંબર કે મિત્રના નામે આવતી કોઈ પણ એપીકે ફાઈલ કે શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું નાણાકીય નુકસાન નોતરી શકે છે.