RMCના 368 પ્લોટમાં દબાણ હોવાનો TPOનો શર્મનાક સ્વીકાર

રાજકોટમાં કોઇ સામાન્ય કે ગરીબ પરિવારની વ્યક્તિ મનપાની મંજૂરી લીધા વગર એક ઇંટ મુકે તો પણ તંત્ર બુલડોઝર લઇને તૂટી પડે છે પણ એ કેવી…

રાજકોટમાં કોઇ સામાન્ય કે ગરીબ પરિવારની વ્યક્તિ મનપાની મંજૂરી લીધા વગર એક ઇંટ મુકે તો પણ તંત્ર બુલડોઝર લઇને તૂટી પડે છે પણ એ કેવી શરમજનક બાબત કહેવાય કે ખુદ તંત્રના જ ઘરમાં કોઇનો પગપેસારો હોય! આ વાત હકિકત છે કે મહાપાલિકાના 368 રિઝર્વેશન(અનામત) પ્લોટ દબાણગ્રસ્ત છે. આજે મનપામાં મળેલા જનરલ બોર્ડમાં ભાજપના નગરસેવક દિલીપ લુણાગરિયાએ ટાઉન પ્લાનીંગને લગતા સંખ્યાબંધ સવાલોનો ચક્રવ્યૂહ રચ્યો હતો અને તેમા અધિકારીઓ બરોબરના ભીડવાઇ ગયા હતા. બોર્ડની ભરી સભામાં ટાઉન પ્લાનર અધિકારી પરમારે એવો શર્મનાક સ્વીકાર કર્યો હતો કે, હાલની સ્થિતિએ 368 રિઝર્વેશન પ્લોટમાં દબાણ છે.

મનપાની માલિકીના કેટલા રિઝર્વેશન પ્લોટ છે? તેમા કેટલા ખુલ્લા અને કેટલામાં દબાણ છે? કેટલા પ્લોટ ડેવલપ થયા છે? એ સહિતના સવાલો ભાજપના નગરસેક દિલીપભાઇએ પુછ્યા હતા. જવાબમાં ટીપીઓ પરમારે કહ્યુ હતુ કે, મનપાના હદ વિસ્તારમાં 1650 રિઝર્વેશન પ્લોટ છે. તેમાથી 470 પ્લોટ ડેવલપ થયા છે. જ્યારે 368 પ્લોટમાં દબાણ છે. દબાણ બાબતે અધિકારી પરમારે એવો લુલો બચાવ કર્યો હતો કે, મોટાભાગના દબાણગ્રસ્ત પ્લોટ એ વિસ્તારમાં ટીપી સ્કીમ ફાઇનલ થઇ એ પહેલાના છે.

જે ટીપી સ્કીમ ફાઇનલ થઇ રહી છે તેમા તો અમે અગાઉથી જ પ્લોટમાંથી દબાણ દૂર કરી નાંખ્યા છે. જ્યા દબાણ છે એવા અમુક પ્લોટ કોર્ટ કેસવાળા છે. લીટીગેશન હોવાથી ખાલી કરાવી શકાતા નથી. જો કે એક હકીકત એ પણ છે કે, આવા પ્લોટ માત્ર એકલ-દોકલ જ છે. દરમિયાન ફાઇનલ થયેલી ટીપી સ્કીમના અલગ-અલગ હેતુના રિઝર્વેશનવાળા પ્લોટ ટીપી શાખા પોતાના કબજામાં રાખીને કેમ બેસી રહે છે? તેવી ચર્ચા બોર્ડમાં થતા ફાઇનલ ટીપી સ્કીમના પ્લોટના કબજે બે મહિનામાં જે તે વિભાગને સોંપી દેવા મેયર ડો.નેહલ શુકલે આદેશ કર્યો હતો.

મોટાભાગના દબાણયુક્ત રિઝર્વેશન પ્લોટ વારસામાં મળ્યા છે-ટીપીઓનો બચાવ
દબાણગ્રસ્ત પ્લોટ મામલે કોર્ટમાં કેસ ચાલતો હોય ખાલી કરાવી શકાતા નથી
દબાણયુક્ત પ્લોટ અંગે જનરલ બોર્ડમાં પુછાયેલા જવાબમાં ટાઉન પ્લાનીંગ અધિકારીએ કહ્યુ હતુ કે, મનપા માત્ર ડ્રાફ્ટ ટીપી સ્કીમ બનાવે છે. એ પછી સરકાર નિયુક્ત ટીપીઓની જવાબદારી રહે છે. હાલ જે રિઝર્વેશન પ્લોટમાં દબાણ છે તેમાથી મોટાભાગના પ્લોટ મનપાને વારસામાં મળ્યા છે. એટલે કે જે તે વખતે રૂૂડા હેઠળ આ વિસ્તાર હોય અને ત્યા ટીપી સ્કીમ બની હોય અને એ પછી એ વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં ભળ્યા હોય.