ગુજરાત
ઈસ્ટ ઝોનની ટીપી નં.14 મંજૂર નહીં થતાં વિકાસ કામો અધ્ધરતાલ
2001માં તૈયાર થયેલા ડ્રાફ્ટ સરકારમાં રજૂ કર્યાને દોઢ વર્ષ થયું છતાં નિર્ણય ન લેવાતા ખેડૂત ખાતેદારોની મુખ્યમંત્રી સુધી રજૂઆત
રાજકોટ શહેરનો વિકાસ સતત વધી રહ્યો છે. છેવાડાના ગામોનો મહાનગરાપલિકાની હદમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રોડ-રસ્તા સહિતના વિકાસ કામો માટે નવી ટીપી સ્કીમો પણ મંજુર કરવામાં આવી રહી છે. છતાં વર્ષો જૂની અમુક ટીપી સ્કીમો આજે પણ મંજુર ન થતાં અનેક વિસ્તારોનો વિકાસ અટકી પડ્યો છે. જેમાં 2001માં તૈયાર કરવામાં આવેલ મોરબી રોડ ટીપીસ્કીમ નં. 14ને આજ સુધી સરકારમાંથી મંજુરી ન મળતા આ વિસ્તારના 100થી વધુ ખેડુત ખાતેદારોએ ઝડપથી ટીપી સ્કીમ મંજુર કરવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.
શહેરના ઈસ્ટઝોનના સૌથી વધુ વિક્સીત મોરબી રોડ ટી. પી. સ્કીમ નં. 14નો ડ્રાફ્ટ 23 વર્ષ પહેલા તૈયાર થઈ ગયેલ હોવા છતાં આજ સુધી સરકારે ટીપી સ્કીમને મંજુરી ન આપતા આ ટીપી સ્કીમમાં આવતા 100થી વધુખેડુત ખાતેદારોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવેલ કે, ટીપી સ્કીમ નં. 14ને નગર રચના અધિકારીએ તા.06/01/2023 ના રોજ ગાંધીનગર સરકારમાં આખરી કરવા કલેલ છે. જેને એક વર્ષ જેવો સમય વિતી ગયો છે. અમો સર્વે ખેડુતો રજુઆત કરીએ છીએ કે અમારી ટી.પી. સ્કીમ નં. 14 (રાજકોટ) વહેલાસર ફાઈનલ કરી આપવા અમો સર્વે ખેડુતોને નમ્ર વિનંતી કરીએ છીએ. ટી. પી. સ્કીમ નં. 14 (રાજકોટ) ધારાસભ્ય-68 રાજકોટ પુર્વે ઉદયભાઈ કાનગડના વિસ્તારમાં આવતી હોય અમે સર્વે ખેડુતોએ ઉદયભાઈ કાનગડને રજુઆત કરેલી છે.
ઉદયભાઈ કાનગડ દ્વારા તા. 11-04-2023 ના ટી. પી. સ્કીમ વહેલાસર આખરી કરી પરત મોકલવા રજુઆત કરેલી છે. ઉપરોકત વિષયનો સર્વે કરી અમોને ટી.પી. સ્કીમ નં. 14 (રાજકોટ) ડ્રાફટ મંજુર થઈ તેને ઘણો સમય વિતી ગયેલ છે. રોડ રસ્તા બની ગયેલ છે. ખેતીવાડીમાં રસ્તા અને ભુર્ગભ ગટરો નખાઈ ગયેલ હોવાથી ખેતીવાડીને સાચવવી અઘરી થઈ ગયેલ છે અને રંજાળ વધતી જાય છે. ટી.પી. સ્કીમ નં. 14 (રાજકોટ) ફાઈનલ નો થાય ત્યા સુધી અમો કોઈ ડેવલોપ કરી શકતા નથી અને અમારી મુશ્કેલી વધતી જાય છે. આથી ઝડપથી ટીપી સ્કીમ નં. 14ને મંજુરી આપવામાં આવે. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન વેસ્ટઝોન વિસ્તારોની અનેક ટીપી સ્કીમો સરકારમાં મંજુર કરાવી વિકાસના કામો આગળ ધપાવ્યા છે.
છતાં આ વિસ્તારની અમુક ટીપી સ્કીમોનો ડ્રાફ્ટ તૈયાર કરવાની કામગીરી પણ શરૂ થઈ નથી. તેવી જ રીતે 2001માં ટીપી સ્કીમ નં. 14નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવેલ જેને આજ સુધી સરકારે મંજુરી આપી નથી. જેના લીધે રોડ-રસ્તા બની ગયા હોવા છતાં ટીપીના રોડ મંજુર થયા બાદ અનેક તૈયાર થઈ ગયેલ બાંધકામોને પણ અસર થશે. તેવું લાગી રહ્યું છે. છતાં ડ્રાફ્ટ મુજબ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવેલ હોય સરકાર દ્વારા જો સુધારા-વધારાની સુચના નહીં અપાય તો બાકી રહી ગયેલા રોડ-રસ્તા સહિતના વિકાસના કામોને વેગ મળશે તેમ અરજદારોએ જણાવ્યું હતું.
રૂડામાં આવતા વિસ્તારોમાં 70 ટીપી સ્કીમોના ડ્રાફ્ટ બનશે
મહાનગરપાલિકાની હદમાં તાજેતરમાં ભળેલા તેમજ વર્ષો પહેલા ભળી ગયેલા વિસ્તારોની પેન્ડીંગ રહેલી ટીપી સ્કીમો મંજુર કરવાની રજૂઆતો થવા લાગી છે. જેની સામે મનપાની હદમાં ભળેલા ગ્રામ્ય વિસ્તારો કે જે પહેલા રૂડા વિસ્તારમાં આવતા હતાં. તેવા વિસ્તારો અને હાલમાં રૂડાની હદમાં આવતા મોટાભાગના વિસ્તારોની 70થી વધુ ટીપી સ્કીમો તૈયાર કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેમાં ખાસ કરીને રીંગરોડ-2ને જોડતા વિસ્તારોની ટીપી સ્કીમો ઝડપથી મંજુર કરાવી લાગુ રસ્તાઓ ખોલવામાં આવે તે માટે રૂડાએ પણ તૈયારીઓ આરંભી હોવાનું જાણવા મળેલ છે.