Site icon Gujarat Mirror

કાલે છેલ્લો દિવસ, પાલિકા-પંચાયતોનો રાજકીય ગરમાવો ચરમસીમાએ

ભાજપની યાદીમાં વિલંબ વચ્ચે આવતીકાલે વિજયમુહૂર્તમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરશે

કોંગ્રેસે યાદી જાહેર કરવાના બદલે સીધી ફોર્મ ભરવા સૂચના આપી દીધી, આજથી જ ફોર્મ ભરવા ધસારો

ગુજરાતમાં આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર 15 મહાનગર પાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 10 હજાર પાંચ બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરવાનો આવતીકાલ તા.11 એપ્રિલે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ કોંગ્રેસ- આપ સહીતના રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ટિકિટો માટે ખેંચતાણના કારણે ભાજપ અને કોંગ્રેસ સહીતના મોટા પક્ષોના ઉમેદવારો છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવી રહ્યા છે તો ઘણી બેઠકો ઉપર બળવા થવાની બીકે ઉમેદવારો જાહેર કરવાના બદલે સીધા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે ટેલિફોનીક જાણ કરવામાં આવી રહી છે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની કુલ 10 હજાર પાંચ બેઠકો છે અને એક બેઠક ઉપર સરેરાશ પાંચ ફોર્મ ભરાય તો પણ 50 હજાર ફોર્મ થાય. હાલ ખુબ ઓછી સંખ્યામાં ફોર્મ ભરાયા હોવાથી આવતીકાલે અંતિમ દિવસે અભુતપુર્વ ધસારો થવાની અને અવ્યવસ્થા સર્જાવાની શકયતા છે.

ભાજપ-કોંગ્રેસ જેવા મોટા પક્ષોમાં આંતરીક વિખવાદના કારણે રાજકોટ સહીતના મોટા મહાનગરો અને જિલ્લા પંચાયતોની યાદીઓ જાહેર કરી નથી. ભાજપની સુરેન્દ્રનગર અને નડીયાદ મહાનગરપાલિકા ઉપરાંત નર્મદા, અમદાવાદ, પાટણ, છોટા ઉદેપુર, ખેડા, વડોદરા, દાહોદ, વાવ-થરાદ, અરવલ્લી વિગેરે જિલ્લા- તાલુકા પંચાયતોની યાદી જાહેર કરવામાં આવી છે. જયારે બાકીની મહાનગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતોની યાદી માટે મનોમંથન ચાલી રહ્યું છે. સંભવત: આજે સાંજ સુધીમાં તમામ ઉમેદવારો જાહેર થઇ જવાની ધારણા છે અને આવતીકાલે એક સાથે ઉમેદવારીપત્રકો ભરનાર છે.

બીજી તરફ કોંગ્રેસે ભડકો થવાના ભયે ઉમેદવારોની યાદી જાહેર કરવાના બદલે સીધી જ ફોર્મ ભરવાની ઉમેદવારોને ટેલિફોનીક સુચના આપી દીધી છે અને આજે ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. જયારે આમ આદમી પાર્ટીએ તો ગઇકાલથી જ ઉમેદવારીપત્રકો ભરવાનું શરૂ કરી દીધું છે.

હાલ ગાંધીનગરમાં ભાજપ-કોંગ્રેસની ટિકીકો માટે ભારે લોબિંગ ચાલી રહ્યા છે અને રાજકીય વાતાવરણ ભારે ગરમ જોવા મળી રહ્યું છે. સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે, ભાજપે હજુ 10 ટકા ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં 14 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે તો વાવ-થરાદમાં કોંગ્રેસમાંથી આવેલા 8 નેતાઓને ભાજપની ટિકિટ આપી દેવામાં આવી છે.

કાલે બીજા શનિવારની રજા છતાં ચૂંટણી કચેરીઓ ખુલ્લી રહેશે
રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ વેગ પકડી રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, આગામી 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાવાનું છે. આ ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે મહિનાનો બીજો શનિવાર હોવાથી 11 એપ્રિલે સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે, પરંતુ ચૂંટણીની ગંભીરતા અને સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે મહત્વનો નિર્ણય લીધો છે. તમામ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીઓ 11 એપ્રિલના રોજ રાબેતા મુજબ ખુલ્લી રહેશે. ઉમેદવારી પત્ર સ્વીકારવાની આ છેલ્લી તારીખ હોવાથી રજાના દિવસે પણ ઉમેદવારો પોતાના ફોર્મ જમા કરાવી શકશે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોને અનુરોધ કર્યો છે કે, 11 એપ્રિલ છેલ્લી તારીખ હોવાથી અંતિમ ઘડીની ભીડ ટાળવા વહેલી તકે ફોર્મ ભરી દેવા. બીજો શનિવાર હોવા છતાં વહીવટી તંત્ર ફોર્મ સ્વીકારવા માટે સજ્જ રહેશે. ઉમેદવારોએ જરૂૂરી દસ્તાવેજો અને એફિડેવિટ સાથે નિયત સમયમર્યાદામાં હાજર રહેવું પડશે.

Exit mobile version