પુત્રને પણ પતાવી દેવાની ધમકી આપી: આરોપીને સકંજામાં લેવા તજવીજ
ટંકારા તાલુકાના લજાઈ નજીક કારખાનાની ઓરડીમાં નવી પત્ની અને જૂની પત્નીના બાળકો સાથે રહેતા પતિએ ગત તા.8ના રોજ નવી પત્ની સાથે ઝઘડો કરી તારા કારણે મારી જૂની પત્ની અન્ય વ્યક્તિ સાથે જતી રહ્યા હોવાનું કહી બોથડ પદાર્થના ઘા મારી નવી પત્નીની હત્યા કરી લાશ ભીમનાથ મહાદેવ પાસે અવાવરું જગ્યામાં ફેંકી નાસી જતા બનાવ અંગે પિતા વિરુદ્ધ પુત્રએ ફરિયાદ નોંધાવી છે.ટંકારા પોલીસે હત્યારા પિતાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યાના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબી અને હાલ ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ભીમનાથ મહાદેવ રોડ પર સિલ્વર પ્લાસ્ટિક કારખાનાની ઓરડીમાં રહેતા સાહિલ સંજયભાઈ ભોજવીયા ઉ.17 નામના સગીરે આરોપી એવા પિતા સંજય ગોવિંદભાઇ ભોજવીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8ના રોજ રાત્રીના સમયે તેના પિતા સંજયભાઈએ નવી માતા શકુબેન સાથે ઝઘડો કરી કહ્યું હતું કે, તારા કારણે મારી જૂની પત્ની ગંગા બાળકોને છોડી જતી રહી છે. ઝઘડાના કારણે સાહિલ તેમજ તેમના અન્ય ત્રણ ભાઈ બહેન અન્ય રૂૂમમાં સુવા જતા રહ્યા હતા.
બાદમાં બીજા દિવસે સવારમાં સાહિલના પિતા સંજયભાઈએ સાહિલને ઉઠાડી કહ્યું હતું કે, મેં તારી નવી માતા શકુબેનની હત્યા કરી નાખી છે. જેથી તું મારી સાથે ચાલ આપણે લાશ ફેકવા જવી છે.જો કે, સાહિલે ના પાડતા હત્યારા પિતા સંજયે સાહિલને પણ જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે સાહિલે ટંકારા પોલીસને જાણ કરી હતી અને આજુબાજુ તપાસ કરતા સાહિલના નવા માતા શકુબેનની લાશ ભીમનાથ મહાદેવ મંદિર નજીક ડેમના કાંઠે બાવળની કાટમાં લોહી નીતરતી હાલતમાં પડી હોય સમગ્ર મામલે પિતા સંજયભાઈ ગોવિંદભાઇ ભોજવીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.

