આજનો વિજય જનતાના ભાજપ પ્રત્યેના વિશ્ર્વાસનું પરિણામ : મુખ્યમંત્રી

ખાનપુરમાં ભાજપના ભવ્ય વિજયોત્સવને વધાવતા CM ભુપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્ર્વકર્મા, રત્નાકરજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને વધાવવા કર્ણાવતી મહાનગરના ખાનપુર…

ખાનપુરમાં ભાજપના ભવ્ય વિજયોત્સવને વધાવતા CM ભુપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્ર્વકર્મા, રત્નાકરજી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને વધાવવા કર્ણાવતી મહાનગરના ખાનપુર સ્થિત જે.પી. ચોક ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા દ્વારા વિજયોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બદલ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનને કોટી કોટી વંદન કરતાં જણાવ્યું કે આજનો વિજય જનતાના ભાજપા પ્રત્યેના વિશ્વાસ અને વિકાસની સકારાત્મક રાજનીતિનો વિજય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની રાજનીતિ પર ફરી એકવાર મહોર મારી છે. સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્યમંત્રને દરેક મતદારે સ્વીકારી રાજ્યના ખૂણે ખૂણે ગુંજતો કર્યો છે.

ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતની સાડા છ કરોડ જનતાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિ પર વિશ્વાસ દર્શાવતા સમગ્ર ગુજરાતમાં ભાજપાને આશીર્વાદ આપી કેસરિયો લહેરાયો છે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતાએ સતત વિકાસને જનસમર્થન આપ્યું છે. તેમણે ઉમેર્યું કે, શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભાજપા વિશ્વની સૌથી મોટી પાર્ટી બની અને તેમના માર્ગદર્શન મુજબ ‘બૂથ જીત્યા તો, ચૂંટણી જીતી’ ના મંત્રને સાર્થક કરતા ભાજપના કાર્યકર્તાઓએ ધમધોકતા તાપમાં પણપ્રત્યેક બૂથમાં મહેનત કરી ભાજપાને વિજય અપાવી નવો ઇતિહાસ રચ્યો છે.

તેમણે સ્પષ્ટ કહ્યું કે, ચૂંટણી આવે ત્યારે જ દેખાતા લોકોને જનતાએ નકારી કાઢ્યા છે અને 2027ની વિધાનસભા ચુંટણીમાં પણ આવા તત્વોનો ગુજરાતમાંથી સફાયો થશે. ’ચરૈવેતિ, ચરૈવેતિ’ ના મંત્ર સાથે સતત પ્રજાની સેવામાં કાર્યરત કાર્યકર્તાઓને વંદન કરતા તેમણે આ વિજયને વિકાસ અને જનસેવાના પર્યાય તરીકે ઓળખાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી એ જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોએ વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલા અપપ્રચાર અને ષડયંત્રોનો વ્યાજ સાથે હિસાબ ચુકતે કરી દીધો છે. ગુજરાતના ખૂણે ખૂણે આજે કેસરિયો લહેરાયો છે અને ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ઉત્તર-દક્ષિણ કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છની ચારેય દિશામાં કમળ ખિલ્યું છે.

આ કાર્યક્રમમાં પ્રદેશસંગઠન સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, કાણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, સાંસદશ્રીઓ, ધાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.