ગુજરાત

રાજકોટમાં પૈસાની ઉઘરાણીથી કંટાળી યુવાને નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત

Published

on

રાજકોટમાં મવડી પ્લોટ વિસ્તારમાં માયાણીનગરમાં રહેતા અને સુથારી કામ કરતો યુવાન ઘરેથી કામ ઉપર જવાનું કહીને નીકળ્યા બાદ કણકોટ ગામથી આગળ રામનગર જતા રોડ ઉપર પુલ ઉપરથી નદીમાં કૂદી જીવન ટૂંકાવી લીધું હતું. યુવાને ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યો હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા માયાણીનગરમાં રહેતા રાકેશભાઈ રસિકભાઈ લાઠીયા નામનો 40 વર્ષનો યુવાન કણકોટ ગામથી આગળ આવેલા રામનગર જતા રોડ ઉપર નદીના પુલ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાકેશભાઈ લાઠીયા બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો. અને તેને સંતાનમાં બે પુત્ર છે. રાકેશભાઈ લાઠીયા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને સવારના નવેક વાગ્યાના અરસામાં ઘરેથી કામ ઉપર જવાનું કહીને સ્કૂટર લઈને નીકળ્યો હતો અને બપોરના જમવા ન આવતા નાના પુત્રએ ફોન કરતા તમે જમી લેજો મારે મોડું થશે તેમ કહ્યું હતું બાદમાં પત્ની આરતીબેને ફોન કર્યા હતા પરંતુ રાકેશભાઈએ ફોન રિસીવ કર્યા ન હતા અને બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં રાકેશભાઈનું સ્કૂટર રામનગર નદીના પુલ ઉપરથી મળી આવ્યા બાદ રાકેશભાઈ લાઠીયાનો મૃતદેહ પણ નદીમાંથી મળી આવ્યો હતો. રાકેશભાઈએ પૈસાની ઉઘરાણીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version