Site icon Gujarat Mirror

કોઠારિયા સોલવન્ટમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા એક યુવકે કૌટુંબિક ઝઘડાથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે.વધુ વિગતો મુજબ,કોઠારીયા સોલવન્ટ, હુસેની ચોક પાસે આવેલા નારાયણ નગરમાં રહેતા અહેમદભાઈ ઉંમરભાઈ સોરા (ઉ.વ. 36) નામના યુવકે સાંજના સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. હાલત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અહેમદભાઈ વ્યવસાયે ડ્રાઈવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે દીકરીઓ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે લાંબા સમયથી ચાલી રહેલા ગૃહકલેશથી કંટાળીને તેમણે આ આત્મઘાતી ડગલું ભર્યું હતું.

બીજી ઘટનામાં,મચ્છાનગર, જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા ભાવનાબેન મનોજભાઈ પાટડિયા (ઉ.વ. 35) પર તેમના જ પતિએ હુમલો કર્યો હતો. સાંજે પાંચ વાગ્યાની આસપાસ દંપતી વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલા પતિએ ભાવનાબેનને ઢીકાપાટુનો માર મારતા તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હાલ તેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ભાવનાબેનના પતિ ભંગારના ડેલામાં કામ કરી મહેનત મજૂરી કરે છે. તેમને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. જાણવા મળ્યું છે કે દંપતી વચ્ચે અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડા થતા રહેતા હતા, જે અંતે હુમલામાં પરિણમ્યા હતા.આ બંને બનાવો અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સંબંધિત પોલીસ મથકોને જાણ કરી છે,જેના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે.

Exit mobile version