પોરબંદરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો દવા પી આપઘાત

પોરબંદરના બોખીરા ગામમાં રહેતી અને ત્રણ વર્ષ પૂર્વે જ લગ્નગ્રંથીએ જોડાયેલી પરિણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે…

પોરબંદરના બોખીરા ગામમાં રહેતી અને ત્રણ વર્ષ પૂર્વે જ લગ્નગ્રંથીએ જોડાયેલી પરિણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા બાદ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં આ મામલે મૃતકના પરિવારે પોલીસને ફરિયાદ કરી છે.

મળતી વિગતો મુજબ, મુળ કોડીનાર તાલુકાના માઘવાડ ગામે માવતર ધરાવતી અને હાલ પોરબંદરના બોખીરા ગામ ખાતે લગ્ન કરીને સાસરીયાઓને ત્યાં રહેતી હિરાબેન અજયભાઈ કવા (ઉ.32) નામની પરિણીતાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક હિરાબેનના પરિવારજનોએ સાસરીયાઓના ત્રાસથી દીકરીએ પગલું ભરી લીધાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે હિરાબેનને હાલ સંતાનમાં 11 માસની દીકરી છે તેના પતિ લુહારી કામ કરે છે.

ત્રણ વર્ષ પૂર્વે હિરાબેનના લગ્ન થયા બાદ સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. હિરાબેનને સાતમો મહિનો ચાલતો હોય ત્યારે પણ સાસુ અને નણંદે મારકુટ કરી હતી. સાસરીયાઓના ત્રાસથી અંતે હિરાબેને ઝેરી દવા પી લીધી હતી. અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હિરાબેનના મોતથી તેની 11 મહિનાની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે. મૃતક હિરાબેન એક ભાઈ અને બે બહેનમાં નાની હતી. તેના પિતા હૈયાત નથી આ બનાવ અંગે તેના માતાએ પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરી છે.