ગુજરાત
રાજકોટના મોટાવડા ગામમાં વિદ્યાર્થીને મરવા મજબૂર કરનાર ત્રણ શિક્ષક સસ્પેન્ડ
લોધિકા તાલુકાના મોટાવડા ગામે ધો. 11 કોમર્સના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂૂએ 19 ઓક્ટોબરના 3 શિક્ષકોના ત્રાસથી સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જે ઘટનામાં વિદ્યાર્થીને મરવા મજબૂર કરનારા આચાર્ય સચિન વ્યાસ, કાયમી શિક્ષક મોસમી શાહ અને જ્ઞાન સહાયક વિભૂતિ જોષી સામે 20 ઓક્ટોબરના લોધિકા પોલિસે એફઆઇઆર દાખલ કરી હતી. જો કે, ત્યારથી એટલે કે, 17 દિવસથી ત્રણેય શિક્ષકો ફરાર છે. આ દરમિયાન આ ત્રણેય શિક્ષકોએ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે, તેમની અરજી કોર્ટમાં નામંજૂર થઈ છે. જેથી હવે પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવશે.
બીજી તરફ રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ત્રણેય શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે અને તેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે.રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, લોધિકાના મોટાવડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂૂએ આપઘાત કરી લીધાની ઘટનામાં સ્કૂલના આચાર્ય સહિત ત્રણેય શિક્ષકોનો લેખિત ખુલાસો પૂછવામાં આવ્યો હતો. પરંતુ તેમનો હજુ સુધી જવાબ આપ્યો નથી અને તેમની સામે પોલીસ કેસ પણ નોંધાયો છે. ત્યારે આ બંને બાબતને ધ્યાનમાં ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ રાજ્ય કક્ષાએ મોકલી દેવામાં આવ્યો છે અને હવે ત્યાંથી જ આ શિક્ષકોને કઈ જગ્યાએ મૂકવા તેનો નિર્ણય થશે.આ અંગે લોધિકા પોલીસ સ્ટેશનના પીઆઈ શર્માને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મોટાવડા ગામની સરકારી શાળાના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની ઘટનામાં ત્રણેય શિક્ષકોએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન મૂક્યા હતા.
પરંતુ તે કોર્ટ દ્વારા નામંજૂર થયેલા છે. ત્રણેય શિક્ષકો રાજકોટ રહે છે પરંતુ તેમના ફોન બંધ આવે છે અને તેમના ઘરે તપાસ કરવામાં આવતા ત્યાં પણ હાજર મળી આવ્યા નથી. તેમને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે. સુસાઈડ નોટમાં જેમનો ઉલ્લેખ કરાયો છે તે 3 શિક્ષક સામે વિદ્યાર્થીને મરવા મજબૂર કરવા બદલ બીએનએસ કલમ 108 તથા 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.